Photos : PM મોદી રાજકોટમાં આજે જે ગાંધી મ્યૂઝિયમનું ઉદઘાટન કરશે, તેનો અંદરથી નજારો આવો છે
રાજકોટના જ્યૂબિલી ગાર્ડન પાસે આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મહાત્મા ગાંધી મ્યૂઝિયમ નિર્માણ કરાયું છે. આ સ્કૂલ ગાંધીજીના શૈક્ષણિક કાળની સ્મૃતિ છે. તેમણે અહીંથી શિક્ષણ લીધું હતું. બે માળના મ્યૂઝિયમમાં કુલ 40 ઓરડા આવેલા છે, જેમાં ગાંધીજીનું ખાસ મ્યૂઝિયમ ઉભુ કરાયું છે.
આ મ્યૂઝિયમમાં પ્રવેશ કરતાની સાથે જ પ્રાર્થના હોલ જોવા મળે છે. જ્યાં અમદાવાદના સાબરમતી આશ્રમના હૃદયકુંજની પ્રતિકૃતિ અહીં તૈયાર કરવામાં આવી છે. અહીં આવનાર વ્યક્તિ આ હોલમાં બેસીને મહાત્મા ગાંધીના ભજનો સાંભળી શકે છે.
મ્યૂઝિયમના બે રૂમમાં ગાંધીજીનું જન્મસ્થળ તથા તેમના કુટુંબીજનો તથા રાજકોટ ખાતે આવેલું તેમનું ઘર, જે કબા ગાંધીના ડેલા તરીકે પ્રખ્યાત છે, તેની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાઈ છે. અહીં ગાંધીજીના શૈક્ષણિક દિવસોની યાદો પણ સચવાયેલી છે. આ માહિતી મ્યૂઝિયમના રૂમ નંબર 1 અને 2માં મળી રહેશે.
રૂમ નંબર 4માં ગાંધીજીના સાઉથ આફ્રિકા સાથે જોડાયેલી યાદગીરી ચિત્રો તથા પ્રોજેક્શન મેપિંગ કરાઈ છે. જેમાં તેમના રંગભેદના અનુભવોથી લઈને સંઘર્ષની માહિતી છે. ગાંધીજીનું સ્વતંત્રતાની લડતમાં યોગદાન, સાબરમતી આશ્રમના સંસ્મરણો, દાંડી યાત્રા, સ્વરાજ્યની લડત, હિન્દુ-મુસ્લિમ એકતા માટેની કામગીરી, ગુજરાત સાથેના અનેક સંસ્મરણો એવી રીતે વર્ણવવામાં આવ્યા છે, કે જોતા જ કોઈની નજરોમાં વસી જાય.
આજના યુગમાં ગાંધી મૂલ્યોને જીવંત રાખનાર નારાયણ દેસાઈની ગાંધી કથા ઓડિયો-વીડિયો દ્વારા સાંભળવા માટે આ મ્યૂઝિયમમાં અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યૂઝિયમમાં તમને ગાંધીજીના ભાષણોનું પણ સંગ્રહ મળી રહેશે.
મ્યૂઝિયમના થિયેટર હોલમાં ગાંધીજીના વિચારો તથા તેમના જીવન મૂલ્યો વિશે ઓડિયો-વીડિયો ફિલ્મ પ્રદર્શિત કરાઈ છે.
આ મ્યૂઝિયમનું સૌથી ખાસ નજરાણુ કિડ્સ ગેલેરી કહી શકાય. અહીં ‘ટોક વિથ બાપુ’ નામનો બાળકો માટે ખાસ શો તૈયાર કરાયો છે. જેમાં બાળકો ગાંધીજી સાથે પૂર્વ યોજિત પ્રશ્નો પૈકી કોઈપણ પ્રશ્નો પૂછી શકે છે. જેથી બાળકોને એવું અનુભવાય કે તેઓ બાપુ સાથે વાત કરી રહ્યાં છે.
આ મ્યૂઝિયમને નિહાળવા માટે એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જેમાં મોટેરાઓ માટે 25 રૂપિયા અને બાળકો માટે 10 રૂપિયા એન્ટ્રી ફી છે. મ્યૂઝિયમમાં કેમેરો લઈ જવો હોય તો 100 રૂપિયા ચૂકવવા પડે છે.