Cheetah: વર્ષો બાદ ભારતની ધરતી પર ચિત્તાનું આગમન, PM મોદીએ કરી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી, જુઓ PICS
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. પીએમ મોદીએ આજે નામીબિયાથી આવેલા આઠ ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છૂટા મૂક્યા. આ અવસરે પીએમ મોદીએ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પણ કરી. 5 માદા અને 3 નર ચિત્તાને લઈને આજે સવારે નાબીબિયાથી ખાસ વિમાન ગ્વાલિયરમાં લેન્ડ થયું હતું. જ્યાંથી ચિનૂક હેલિકોપ્ટર દ્વારા તેમને કૂનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યા હતા. ભારતમાં ચિત્તાને વિલુપ્ત જાહેર કરાયાના સાત દાયકા બાદ આ પ્રજાતિને દેશમાં ફરીથી વસાવવાના પ્રોજેક્ટ હેઠળ નામીબિયાથી આઠ ચિત્તા વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા. માલવાહક બોઈંગ વિમાને શુક્રવારે રાતે નામીબિયાથી ઉડાણ ભરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના 72માં જન્મદિવસના અવસરે નામીબિયાથી લાવનારા ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા. ઉદ્યાનમાં એક મંચ સ્થાપિત કરવામાં આવ્યો હતો. જેના પર ચિત્તાને ખાસ પ્રકારના પાંજરામાં રાખવામાં આવ્યા અને પીએમ મોદીએ લિવર ચલાવીને તેમાંથી ચિત્તાને એક વાડામાં છોડ્યા. પહેલા ભારતમાં ઘણી સંખ્યામાં ચિત્તા હતા પરંતુ ધીરે ધીરે ઘટી ગયા.
આ કુનો નેશનલ પાર્ક મધ્ય પ્રદેશના શ્યોપુરમાં આવેલો છે. જે ગ્વાલિયરથી લગભગ 165 કિમીના અંતરે છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ આઠ ચિત્તામાંથી પાંચ માંદા અને ત્રણ નર ચિત્તા છે.
CCF (ચિત્તા સંરક્ષણ કોષ) ના જણાવ્યાં મુજબ પાંચ માદા ચિત્તાની ઉંમર બેથી પાંચ વર્ષની વચ્ચે જ્યારે નર ચિત્તાની ઉંમર 4.5 વર્ષથી 5.5 વર્ષની વચ્ચે છે.
1992માં ચિત્તાને ભારતમાં વિલુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. 'આફ્રીકન ચિત્તા ઈન્ટ્રોડક્શન પ્રોજેક્ટ ઈન ઈન્ડિયા' 2009માં શરૂ થયો હતો અને હાલના કેટલાક વર્ષોમાં તેણે ગતિ પકડી છે.
પીએમ મોદીએ આજના આ અવસરે કહ્યું કે 'આજે આ ચિત્તા મહેમાન બનીને આવ્યા છે. આ વિસ્તારથી અજાણ્યા છે. કુનો નેશનલ પાર્કને આ ચિત્તા પોતાનું ઘર બનાવી શકે, તે માટે આપણે આ ચિત્તાને પણ થોડા મહિનાનો સમય આપવો પડશે. આંતરરાષ્ટ્રીય ગાઈડલાઈન્સ પર ચાલતા ભારત આ ચિત્તાઓને વસાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે કુનો નેશનલ પાર્કમાં છોડાયેલા ચિત્તાને જોવા માટે દેશવાસીઓએ થોડા મહિના ધૈર્ય દેખાડવું પડશે. રાહ જોવી પડશે.'