ઘરેથી 7 વર્ષ પહેલા ભાગી ગયેલા દીકરાનું આધારકાર્ડ ઘરે આવ્યું, પોરબંદર પોલીસે શોધીને કરાવ્યું પરિવાર સાથે મિલન

Sat, 30 Sep 2023-11:41 am,

પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતો એક કિશોર 7 વર્ષ પહેલા સગીર વયે કોઈને જાણ કર્યા વિના ઘરેથી ચાલ્યો ગયો હતો.આટલા વર્ષો બાદ ઓચિંતુ જ આ કિશોરનું આધારકાર્ડ તેના ઘરે આવતા પોલીસે મોબાઈલ નંબરની તપાસ કરાવી આ યુવકને અમદાવાદ ખાતેથી શોધી કાઢી તેના પરિવારને સોંપતા જિલ્લા પોલીસવડાની કચેરીએ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.  

પોરબંદરના બોખીરા પંચાયત ઓફિસ પાછળ રહેતા સુરેશ સામત અમર નામનો કિશોર ગત તા. 24 એપ્રિલ 2017 ના રોજ સ્કૂલે જવાનું કહી નીકળ્યો હતો અને ત્યારબાદ ઘરે પરત નહીં આવતા તેના વાલીએ આ અંગે ઉદ્યોગનગર પોલીસ મથકે અપહરણની ફરિયાદ લખાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ યુવાનનો કોઈ પત્તો મળી આવ્યો ન હતો. ત્યારે 7 વર્ષ બાદ આ યુવાનનું આધારકાર્ડ અપડેટ થઈને પોરબંદરના તેમના ઘરે આવ્યું હતું અને પરિવાર દ્વારા આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આધારકાર્ડમાં મોબાઈલ નંબર છે કે કેમ તેની તપાસ કરાવી હતી અને આ આધારકાર્ડ વડે મોબાઈલ સીમ લીધેલ છે કે કેમ તેની વિગત કઢાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. 

આધારકાર્ડ વડે મોબાઈલ ફોનની માહિતી મેળવી પોલીસે લોકેશનની માહિતી મેળવતા આ યુવાન અમદાવાદ હોવાનુ જાણવા મળતા પોલીસ તત્કાળ અમદાવાદ પહોંચી હતી અને યુવકને પોરબંદર લાવી તેમના પરિવારને સોંપ્યો હતો. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની હાજરીમાં જ યુવાનને પરિવારને સોંપ્યો હતો ત્યારે એસપી ઓફિસ ખાતે જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.  

સાત વર્ષ પૂર્વે ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયેલ યુવાન અમદાવાદમાં એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતો હતો. આટલા વર્ષોમાં આ કિશોર 2 વખત દિવાળી દરમિયાન પોરબંદર પણ આવ્યો હતો, પરંતુ પોતે ઘરેથી ભાગી ગયો હોવાથી પરિવાર સાથે મળવા માટેની હિંમત કરી શક્યો નહોતો. 

7 વર્ષ બાદ સુરેશ તેના પરિવારજનોને મળ્યો ત્યારે યુવાનના પરિવારજનોની આંખમાં હર્ષના આંસુ સરી પડ્યા હતા અને યુવાનની બહેને એસપી ઓફિસ પરિસરમાં જ ભાઈને હાથમાં રાખડી બાંધી ખુશી વ્યક્ત કરી હતી. આટલા વર્ષો બાદ યુવાની થોડી ભાળ મળતા જ પોલીસ દ્વારા જે રીતે મહત્વની કામગીરી કરીને યુવકને શોધી પરિવારને સોંપ્યો છે તેને લઈને પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી અને સૌ પરિવારજનોએ પોરબંદર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.  

આધુનિક સમયમાં વર્ષોથી અનડિટેક્ટ ગુનાઓ પણ નવી ટેકનોલોજીના કારણે ઉકેલવા સરળ બન્યા છે. પોરબંદરના યુવાનને શોધવામાં જે રીતે આધારકાર્ડ એક મહત્વની કડી બન્યું અને તેના આધારે જે રીતે મોબાઈલ નંબર મળેવી યુવાનનુ લોકેશન જાણી શકાયુ જેથી વર્ષો બાદ એક પરિવાર તેના ગુમ થયેલા પુત્રને પરત મેળવી શક્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ આ કિસ્સામાં જે રીતે માનવીય અભિગમ દાખવી યુવાનનું પરિવાર સાથે સાથે મિલન કરાવ્યું છે તેને લઈને પરિવારમાં ભારે ખુશીની લાગણી જોવા મળી હતી.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link