અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનમાં કરો મુસાફરી, SpiceJetએ આપી આ ખાસ ઓફર
31 ઓક્ટોબરથી દેશની એરલાઈન્સ કંપની સ્પાઈસજેટ દરરોજ બે હવાઈ સેવાઓ શરૂ કરશે. આ હવાઈ સેવા અમદાવાદથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રૂટ પર કરશે.
આ હવાઈ સેવા અંતર્ગત આ રૂટ પર સી-પ્લેનની ટિકિટનું શરૂઆતી ભાડુ 1500 રૂપિયા છે. સી પ્લેનની હવાઈ મુસાફરી માટે ટિકિટનું બુકિંગ www.spiceshuttle.comની વેબસાઈટ પરથી કરી શકાશે.
ટિકિટનું બુકિંગ 30 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. સ્પાઈસજેટની ફ્લાઈટ સાબરમતી રિવરફ્રન્ટથી 10.15 વાગ્યો પ્રથમ ઉડાન ભરશે, જ્યારે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 10.45 વાગ્યે લેન્ડ કરશે.
સ્પાઇસજેટના ચેરમેન અજય સિંહએ જણાવ્યું હતું કે, ભારતીય એવિએશન ઇતિહાસમાં પ્રથમ વખત હશે જ્યારે કોઈ સી-પ્લેન ઉડાન ભરશે. ગર્વ કરવાની વાત એ છે કે, આ ઐતિહાસિક ક્ષણના આપણે સાક્ષી બનીશું.
સી-પ્લેન પ્રોજેક્ટની ગણતરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં કરવામાં આવે છે. 2017માં વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ તની શરૂઆત કરી હતી.
હવે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડવામાં આવ્યો છે. આ સી-પ્લેન માલદીવથી કોચ્ચી પહોંચ્યું હતું, ત્યારબાદ હવે તે ગુજરાતમાં આવ્યું છે.