દાદા-દાદીના પહેલીવાર લગ્ન લેવાયા, 10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીઓનો પરિવાર મન મૂકીને ઝૂમ્યો
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા દાદીના ધામધૂમથી લગ્ન યોજાયા. તો આ દાદા દાદીની ચોથી પેઢી પણ લગ્નમાં ડીજેના તાલે ઝૂમી અને ખુશાલી વ્યક્ત કરી.
70 વર્ષના દાદીને પીઠી પણ લગાવાઇ અને ખાટલે બેસાડી આખા ગામમાં તેમને ફેરવવામાં આવ્યા હતા. તો ફેરા ફરવા માટે દાદીમાં અશક્ત હોવાને લઈને પુત્રોએ માતાને તેડીને ફેરા ફરાવ્યા.
આદિવાસી સમાજમાં લગ્નની ઉંમર સમય પૈસા ના હોય તો તે લોકો લગ્ન કરી શકતા નથી. પરંતુ આગેવાનોની સંમતિથી આ બંને પતિ પત્ની સાથે રહીને સંસાર માંડતા હોય છે અને જ્યારે તે લોકો પાસે પૈસાની વ્યવસ્થા થાય ત્યારે તેટલી ઉંમરે તેઓ લગ્ન કરતા હોય છે.
આ દાદા દાદી પાસે ચોથી પેઢીએ પૈસાની વ્યવસ્થા થઈ. તો 70 વર્ષની ઉંમરે પૈસાની વ્યવસ્થા થતા તેમના ધામધૂમથી લગ્ન યોજાયા અને આ લગ્નમાં આખું ગામ ઉમટ્યુ. ડીજેના તાલે લોકો નાચ્યા અને વર કેસરાભાઇ ગમાર અને કન્યા મંગુબેન ગમાર 70 વર્ષની આયુ વટાવ્યા બાદ લગ્ન ગ્રંથિથી જોડાયા. દાદા દાદીના લગ્નમાં દીકરા-દીકરી તો ખરા પણ પૌત્રોએ પણ મન મૂકીને મજા માણી...