Photos : સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીને જોઈને કચ્છ અને જેસલમેરની યાદ આવી જશે
તળાવ નં-૩ અને તળાવ નં-૪ના કિનારે 50 હજાર અને 20 હજાર ચોરસમીટર ઉપર એમ બે સ્થળે આ ટેન્ટ સિટી આકાર લેશે. ટેન્ટ સિટીમાં રોડ, વિજળી, પીવાનું પાણી જેવી સગવડો પણ ઊભી કરાઈ રહી છે. તળાવ નં. ૪ નજીકના પ્રથમ ટેન્ટ સિટીમાં પચાસ ટેન્ટ અને તળાવ નં. ૩ના કિનારે આવેલા બીજા સિટીમાં ૨૦૦ ટેન્ટ બાંધવામાં આવ્યા છે. પ્રવાસીઓને ટેન્ટ સીટી ખાતે વડોદરાથી જવા –આવવાની વ્યવસ્થા તથા સ્થાનિક ફરવાલાયક સ્થળોની મુલાકાત જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.
મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવા માટે રાજ્ય સરકારે 250થી વધુ આકર્ષક અને મનમોહક ટેન્ટની અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે. 31મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ તેનું બુકિંગ પણ ઓનલાઈન થશે. ઓનલાઈન તેની તમામ માહિતી ઉપલબ્ઘ કરવામાં આવી છે. સાતપુડાની વનરાજી વચ્ચે ઉભી કરાયેલ ટેન્ટ સિટીમાં મુલાકાતીઓ માટે અદભૂત વ્યવસ્થા કરાઈ છે. મુલાકાતીઓ અહીં રાતવાસો કરી શકશે. આલિશાન સુવિધાની સાથે મુલાકાતીઓને ટેન્ટ સિટીમાં ફાઈવ સ્ટાર જેવું ઈન્ટીરિયર જોવા મળશે. આમ, આનંદની સાથે તેમની ટુર આરામદાયી પણ બની રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા આવનારા મહેમાનોને રોકાવાની આલિશાન વ્યવસ્થા એટલે ટેન્ટ સિટી. આ ટેન્ટ સિટી જોઈને તેમને જેસલમેન અને કચ્છના રણમાં ઉભુ કરાયેલ ટેન્ટ સિટી યાદ આવી જશે. સ્ટેચ્યુની આસપાસ થ્રીસ્ટાર હોટલ જેવી રહેવાની વ્યવસ્થા કરાઈ છે. સહેલાણીઓ અહીં રોકાઈને સ્ટેચ્યુની આસપાસનું કુદરતી સૌંદર્ય માણી શકશે. જે પ્રવાસીઓ અહીં બે-ત્રણ દિવસની મુલાકાત કરવા માંગતા હોય તેઓ માટે ટેન્ટ સિટીમાં રોકાણ બેસ્ટ વ્યવસ્થા થઈ શકે છે.
3 રજવાડી, 53 એસી અને 200 ડિલક્સ રૂમથી ટેન્ટ સિટી સજ્જ છે. જેમાં એસી અને નોન એસી બે પ્રકારના ટેન્ટ મળી રહેશે. ટેન્ટની વચ્ચોવચ પરફોર્મન્સ અને પ્લે એરિયા બનાવાયો છે, જ્યાં રોજ સાંજે વિવિધ લોકનૃત્યો અને સંગીતના કાર્યક્રમો યોજાશે. આમ મુલાકાતીઓની સાંજે રળિયામણી અને કલામય બને તેવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂરતી વ્યવસ્થા કરાઈ છે.
આમ, અહીં આવનારા સહેલાણીઓને કુદરતનું સાંનિધ્ય મળી રહે તેવી પૂરતી વ્યવસ્થા કરાઈ છે. સંચાલકોનું કહેવું છે કે, આ ટેન્ટ સિટી જોઈને તમને જેસલમેર અને કચ્છના રણમાં બનાવાઈ છે તેવી ટેન્ટ સિટીની યાદ આવશે