કંગનાને પછાડવાની લ્હાયમાં શિવસેના નેતાએ અચાનક `અમદાવાદ`નો ઉલ્લેખ કરતા મોટો વિવાદ, જાણો શું કહ્યું?
કંગનાના નિવેદન પર થયેલા વિરોધ પ્રદર્શનો અને સમગ્ર મામલે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો તે છોકરી (કંગના રનૌત) મહારાષ્ટ્રની માફી માંગશે તો હું તેને માફી આપવા વિશે વિચારીશ. તે મુંબઇને મીની પાકિસ્તાન કહે છે. પરંતુ શું તેનામાં તે જ રીતે અમદાવાદ વિશે એવું બોલવાની હિંમત છે ખરી?
કંગના રનૌતે મુંબઇને લઈને આપેલા નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. હાલમાં જ તેણે કહ્યું હતું કે તેમને મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવું લાગે છે. જેને લઈને અનેક હસ્તીઓએ પણ કંગનાના વિરોધમાં ટ્વીટ કરી હતી. રેણુકા શહાણે સાથે પણ ટ્વિટર યુદ્ધ છેડાયું હતું.
હકીકતમાં કંગનાએ તાજેતરમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે બોલિવૂડના ડ્રગ લિંક અંગે તે જાણે છે. તેમણે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો માટે ટ્વીટ કરી હતી કે તે તેમને મદદ કરી શકે છે. શરત એ છે કે તેમને સુરક્ષા આપવામાં આવે. જેના પર ભાજપના નેતા રામ કદમે મહારાષ્ટ્ર સરકારને ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો હતો. જેના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે તે સેન્ટર કે હિમાચલ પ્રદેશ પાસેથી સુરક્ષા ઈચ્છે છે. મુંબઇ પોલીસથી ડર જતાવ્યો હતો. તેના પર સંજય રાઉતે નિવેદન આપ્યું હતું કે એટલો જ ડર હોય તો મુંબઇ ન આવે. કંગનાએ પલટવાર કરતા કહ્યું હતું કે મુંબઇ હવે પીઓકે જેવું ફીલ થાય છે.
કંગનાએ રિયાની ડ્રગ ચેટ સામે આવ્યાં બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પોપ્યુલર ડ્રગ કોકીન છે, લગભગ દરેક પાર્ટીમાં તેનો ઉપયોગ થાય છે. તે ખુબ મોંઘી છે પરંતુ જ્યારે તમે શરૂઆતમાં કોઈ ઊંચી હાઉસીઝમાં જાઓ છો તો તમને તે ફ્રી આપવામાં આવે છે. MDMA ક્રિસ્ટલ પાણીમાં ભેળવી દેવાય છે અને તમારી જાણકારી વગર તમને આપવામાં આવે છે.
આ સમગ્ર મામલે કંગનાએ મુંબઇ ન આવવાની શિખામણો મળતા પલટવાર કર્યો હતો. કંગના રનૌતે ટ્વીટ કરીને કહ્યું, "હું જોઈ રહી છું કે અનેક લોકો મને મુંબઇ પાછા ન ફરવાની ધમકી આપી રહ્યા છે. આથી મેં નક્કી કર્યું છે કે 9 સપ્ટેમ્બરે હું મુંબઇ પાછી ફરીશ. હું મુંબઇ એરપોર્ટ પર પહોંચીને સમય પોસ્ટ કરીશ, કોઈના બાપમાં હિંમત હોય તો રોકી લે."