40 ટકા તોડી પડાયેલા ઐતિહાસિક જહાજ ‘વિરાટ’ને ભાંગવા પરનો સ્ટે સુપ્રીમ કોર્ટે હટાવી દીધો
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની ખંડપીઠે તમામ હકીકતોની નોંધ લીધી હતી, જેમાં અગાઉ સંરક્ષણ મંત્રાલયે પણ યુધ્ધ જહાજને મ્યુઝિયમમાં તબદીલ કરવા અંગેની અરજ ફગાવી દીધી હતી. જેનો ઉલ્લેખ કર્યો હતો, કોર્ટે જણાવ્યું હતું કે “બોમ્બે હાઇકોર્ટે તમને સરકારને રજૂઆત કરવાની મંજૂરી આપી હતી. સંરક્ષણ મંત્રાલયે તેને ફગાવી દીધી હતી. જેમાં તમે તેના નિર્ણયને પડકાર્યો ન હતો.” તેમ પણ બેંચે જણાવ્યું હતુ.
એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ માર્ચ 2017 માં સેવાનિવૃત્ત થયા પહેલા 29 વર્ષ સુધી ભારતીય નૌકાદળની સેવામાં હતુ. ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં ‘વિરાટ’ મુંબઇથી ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે પહોંચ્યુ હતું અને જેની ભંગાવવાની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી હતી.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડના શ્રીરામ ગ્રુપે INS વિરાટ જહાજની રૂપિયા 38.54 કરોડમાં હરાજીમા ખરીદી કરી હતી અને 2020 ના ડિસેમ્બરમાં ભાંગવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી. મુખ્ય ન્યાયધીશની બેંચે 'વિરાટ' ને ધ્વંશ કરવાની સ્થિતિ અંગેનો અહેવાલ જોયા પછી ખાનગી કંપની એન્વિટેક મરીન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને પૂછ્યું હતું કે, INS વિરાટ જહાજ ને બીજી કંપનીએ ખરીદ કર્યા બાદ તે યુદ્ધ જહાજને 40% તોડી પાડવામાં આવ્યું છે, તો પછી હવે તેઓ સંગ્રહાલય બનાવવા કેમ ઇચ્છે છે??
કોર્ટ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ ના માધ્યમથી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં બેંચે એનિવીટેક મરીનનાં પ્રતિનિધિ રૂપાલી શર્માની રજૂઆત આ એક “રાષ્ટ્રીય સંપત્તિ” છે અને તેને બચાવવાની જરૂર છે. જેને સ્વીકારવાનો પણ સુપ્રીમે ઇનકાર કર્યો હતો. જોકે હવે સુપ્રીમ કોર્ટ ના INS વિરાટ ને ભાંગવા પર નો સ્ટે દૂર થતાની સાથેજ વિરાટને ભાંગવા માટેની પ્રક્રિયા ફરી શરૂ થઈ જશે અને આગામી સમયમાં INS વિરાટ જહાજ લોકો માટે ઇતિહાસ બની જશે.
ભારતીય નૌસેનાનું જહાજ INS વિરાટ 6 માર્ચ, 2017ના રોજ સેવાનિવૃત્ત થયું હતું. INS વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજું વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં 30 વર્ષ સુધી સેવા આપી હતી અને આ પહેલાં તેણે બ્રિટનના રોયલ નેવીમાં 25 વર્ષ સુધી સેવા આપી હતી. તેનું હેતુ વાક્ય ‘જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ હતું, જેનો મતલબ થાય છે કે જેનો સમુદ્ર પર કબજો છે એ જ સૌથી વધુ બળવાન છે.
INS વિરાટનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. એ દુનિયાનું એકમાત્ર એવું જહાજ છે, જે વૃદ્ધ થયા બાદ પણ ઉપયોગમાં લેવામાં આવતું હતું અને તેમ છતાં સારી કન્ડિશનમાં હતું. એને ‘ગ્રેટ ઓલ્ડ લેડી’ નામથી પણ ઓળખવામાં આવતું હતું. પશ્ચિમી નૌસેના કમાન તરફથી કહેવામાં આવ્યું હતું કે એ ઈતિહાસમાં સૌથી વધુ સમય સેવા આપનારું જહાજ છે.
18 હજાર ટન એલડીટી ધરાવતા આ યુદ્ધ જહાજને વર્ષ 1959માં બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ થયું હતું. INS વિરાટ 30 વર્ષ સુધી ભારતીય સેનામાં કાર્યરત રહ્યું હતું અને 23 જુલાઇ 2016ના અંતિમ સફર ખેડી હતી. નેવી યુદ્ધ જહાજ તરીકે સૌથી વધુ 56 વર્ષ સેવા આપનાર INS વિરાટ ભારતમાં 30 વર્ષ સુધી સેવામાં રહીને કારગીલ જેવા યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અલંગ શિપ યાર્ડના ઈતિહાસમાં સૌથી મોટું INS વિરાટ યુદ્ધ જહાજ બ્રેકીંગ માટે આવશે.