સુરતીઓએ દુનિયાને હીરાજડિત ચોકઠાનું ઘેલુ લગાડ્યું, બની રહ્યાં છે લાખોની કિંમતના ચોકઠા

Tue, 25 Apr 2023-9:26 am,

સુરત શહેર હીરા નગરી તરીકે જાણીતું છે. સુરતના જવેલર્સ દ્વારા તૈયાર કરાતી અવનવી ડીઝાઈન આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ત્યારે સુરતમાં હવે દાંતના ચોકઠાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરતમાં જવેલર્સ દ્વારા આ અનોખા ચોકઠાં તૈયાર કરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત ૨૫ લાખ સુધીની બતાવવામાં આવી રહી છે. આ ચોકઠા બનાવવામાં સોના ચાંદી, નેચરલ ડાયમંડ, લેબ ગ્રોન ડાયમંડ, અને મોઝોનાઈટ ડાયમંડમાંથી બનાવવામાં આવી રહ્યા છે.  

સુરતના જવેલર્સ દ્વારા આ ચોકઠાં બનાવવામાં અંદાજીત ૨૦ દિવસનો સમય લાગે છે. તેમજ કાનની બુટી, વીટી જેવા અન્ય ઘરેણા જેમ પહેરીને કાઢી શકાય છે. તેમજ આ દાંતના ચોકઠાં પણ પહેરીને કાઢી શકાય છે. ખાસ કરીને આ ચોકઠાંમાં ૧૬ દાંત સોના અને ચાંદીમાંથી બનાવવામાં આવે છે. તેમજ ૧૫૦૦ થી ૨૦૦૦ નંગ ડાયમંડ લગાડવામાં આવે છે. જ્યારે ૧૦,૧૪ અને ૧૮ કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વેપારી શ્રેયાંસા શાહ કહે છે કે, સુરતમાં અત્યાધુનિક આ ચોકઠાં લોકોની ડીમાંડ પ્રમાણે બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં નેચરલ, લેબગ્રોન અને મોઝોનાઈટ ડાયમંડ જડવામાં આવે છે. ૨૫ ગ્રામથી લઈને ૪૦ ગ્રામ સુધીનું વજન હોય છે અને તેની કિંમત ૫ લાખથી લઈને ૨૫ લાખ સુધીની બતાવવામાં આવી રહી છે. જેમાં સિલ્વર અને મોઝોનાઈટ ડાયમંડના ૧૬ દાંતનું ચોકઠું ૧ લાખ, ગોલ્ડન અને લેબગ્રોન ડાયમંડનું ચોકઠું ૫ લાખ જ્યારે નેચરલ તેમજ સોનાથી બનાવેલું ચોકઠું ૨૫ લાખ સુધીમાં તૈયાર થાય છે. સુરત શહેરમાં તૈયાર થતા આ હીરા જડિત ચોકઠાંની ખાસ ડિમાન્ડ વિદેશમાં જોવા મળી રહી છે. યુકે, કેનેડા, ઓસ્ટ્રેલીયા, અમેરિકા, નેધરલેન્ડ્સ સહીતના દેશમાંથી આ ચોકઠાંના ઓર્ડર સુરતના જવેલર્સને મળી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.  

ઉલ્લેખનીય છે કે સુરત શહેર હવે વિશ્વને હીરા જડિત ચોકઠાં પણ મોકલશે ત્યારે સુરતમાં બનાવવામાં આવેલા ચોકઠાંમાં લોકો પોતાના શોખ મુજબ ડીઝાઈન પણ કરાવવી રહ્યા છે. દાંતના આ ચોકઠાંમાં ગ્રાહકો જે પ્રકારની ડીઝાઈનની ડીમાંડ કરે છે તે મુજબની ડીઝાઈન પણ જવેલર્સ દ્વારા બનાવવી આપવામાં આવે છે. ખાસ કરીને મીનાકારગીરી અને કસ્ટમાઈઝડ પણ કરાવવામાં આવે છે. 

હાલમાં દાંતમાં ખોપરી, પિસ્તોલ, એકે ૪૭, પતંગિયા, દિલ સહીતની ડીઝાઈન જોવા મળી રહી છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહત્વનું છે કે શહેરને ડાયમંડ સિટિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સુરતમાં બનવતી અવનવી જ્વેલરી અને વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. અને તેની ડિમાન્ડ દેશવિદેશમાં હોય છે. ત્યારે સુરતના સોનાચાંદી અને ડાયમંડના ચોકઠાની ચર્ચા ચારેકોર થઇ રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link