સુરતમાં આજે સર્જાયા કરૂણ દ્રશ્યો; દીકરીને દુલ્હન બનતા જોવાનું સપનું રોળાયું, આપી અંતિમ વિદાય, જુઓ દર્દનાક તસવીરો
ગ્રીષ્માની પાલખી પાસે પિતા, માતા, ભાઈ અને પરિવારજનો વિલાપ કર્યો હતો. આખી સોસાયટી શોકમગ્ન બની ગઈ હતી. સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.
ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટ્યા. આજે સવારે ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી ત્યારે અનેક રસ્તાઓ લોકોથી ઉભરાયા હતા.
લોકો સ્વયંભૂ જોડાયા હતા. શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી છે. અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં પહોંચ્યા બાદ ઈજાગ્રસ્ત ભાઈએ બહેનને મુખાગ્નિ આપી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બે હાથ જોડીને ગ્રીષ્માને વિદાય આપી હતી.
ગ્રીષ્માને આજે ત્રીજે દિવસે અંતિમ યાત્રા નીકળી હતી, જે દીકરીને દુલ્હન બનતા જોવાના સપના હતા, તેને દુલ્હનની જેમ સજાવીને વિદાય આપતા માતા-પિતાનું આક્રંદ વાતાવારણને ગમગીન કર્યું હતું.
દીકરીની આખરી વિદાયથી માતા તૂટી ગયા હતા. દુલ્હન જેવો શૃંગાર કરીને જ્યારે દીકરીની અંતિમ વિદાયની ઘડી આવી તો માતા ભોગી પડ્યાં હતા અને ચોધાર આંસુ સાથે વ્હાલસોયીને વિદાય આપી હતી.
સ્મશાનગૃહમાં ગ્રીષ્માના પાર્થિવ દેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. કરપીણ હત્યા કરનારા આરોપી ફેનિલને ફાંસીને સજા આપવામાં આવે તેવી પણ માંગ લોકોએ કરી હતી.
તમને જણાવી દઈએ કે કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી કરેલી હત્યાથી રાજ્યભરમાં ચકચાર મચી છે.
સરેઆમ તમામ લોકોની હાજરીમાં યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે.
ગ્રીષ્માના મૃતદેહનો આજે અંતિમસંસ્કાર કરવામાં આવશે. ગ્રીષ્માના અંતિમસંસ્કારમાં સુરત આખું હિબકે ચડે અને મોટી સંખ્યામાં લોકો તેના અંતિમસંસ્કારમાં જોડાઈ શકે છે.
સુરક્ષાના કારણોસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, સુરતના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે યુવતીના મોટા પપ્પા, ભાઈ અને તેની માતાની નજર સામે જ જાહેરમાં યુવતીની હત્યા કરી હતી. એક વર્ષથી યુવતીને હેરાન કરતા યુવકને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે ફરી ઘરે આવી ગયો હતો.
જો કે, તેને ફરી સમજાવવા જતાં યુવતીના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી યુવતીનું ગળું કાપી નાખ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે હત્યાના દિવસે આરોપી ફેનિલે કોલેજથી ગ્રીષ્માનો પીછો કર્યો હતો. તેણે ગમે તે રીતે ગ્રીષ્માની હત્યા માટે 6 જાન્યુ.એ તેણે સરથાણામાંથી ચપ્પુ ખરીદ્યું હતું.