કટલરીની લારી ચલાવતા પિતાના દીકરાએ પાસ કરી NDAની પરીક્ષા, હવે સેનામાં લેફ્ટનન્ટ કર્નલ બનશે!

Fri, 16 Dec 2022-7:57 pm,

અથાગ પરિશ્રમને પગલે સમગ્ર સુરતમાંથી એકમાત્ર દેવેન્દ્ર પાટિલની NDA- નેશનલ ડિફેન્સ અકેડેમીમાં પસંદગી થઈ છે. દેવેન્દ્રના પિતા કટલરીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દેવેન્દ્ર સાથે પરીક્ષાની તૈયારી કરનાર મિત્રો સમાધાન અને અજયે પણ અનુક્રમે સ્ટાફ સિલેક્શન કમિશન(SSC) અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ(CISF)-ઓડિશામાં સ્થાન મેળવ્યું છે.

ડિફેન્સની વિવિધ પરીક્ષાઓની એક-સાથે તૈયારી કરી રહેલા આ ત્રણેય મિત્રોએ સ્થાનિક વિસ્તારના વિદ્યાર્થીઓ સંચાલિત ‘સડકથી સરહદ’ ગ્રુપમાં જોડાઈને વાંચન-લેખન અને ફિઝીકલ ટ્રેનિંગ મેળવી, જે આ પરીક્ષા પાસ કરવામાં ખૂબ મદદરૂપ બની. નવયુવાનો માટે પ્રેરણારૂપ બનેલા દેવેન્દ્ર પાટિલની આંખોમાં નાનપણથી જ સંરક્ષણ ક્ષેત્રમાં જઈને દેશની સેવા કરવાનું સ્વપ્ન હતું. 

બૉલીવુડની ‘સોલ્જર’ અને ‘શેરશાહ’ જેવી દેશભક્તિસભર ફિલ્મોએ તેમને નિર્ધારિત લક્ષ્ય પામવાની પ્રેરણા પૂરી પાડી હતી. મૂળ મહારાષ્ટ્રના વિંચૂર ગામનાં વતની દેવેન્દ્રએ સુરતના નવાગામ વિસ્તારની મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી મરાઠી શાળામાંથી ધો.1 થી 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. શાળામાંથી જ NDAની પરીક્ષા માટે જરૂરી તમામ માર્ગદર્શન મેળવી છેલ્લા 2 વર્ષથી તૈયારી શરૂ કરી હતી.

દેવેન્દ્ર NDAની તૈયારી અને અનુભવેલી મુશ્કેલીઓની વાત કરતાં જણાવે છે કે, આ પરીક્ષા માટે ગણિત અને અંગ્રેજી વિષય પાકા કરવા આવશ્યક હોવાથી યુ-ટ્યૂબનો સહારો લઈ સેલ્ફ સ્ટડી દ્વારા ગણિતમાં મહેનત કરી અને અંગ્રેજી માટે ઓનલાઈન ક્લાસીસનો સહારો લઈ લેખન-વાંચનની પ્રેક્ટિસ કરી હતી.

રોજેરોજ અંગ્રેજીની વર્બલ પ્રેક્ટિસ માટે જાતે જ અરીસાની સામે બેસી જાત સાથે સંવાદ કરતો હતો.કટલરીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા દેવેન્દ્રના પિતા સંજયભાઈ પાટિલ પુત્રની સફળતાથી અત્યંત ગૌરવ અનુભવી રહ્યા છે. પુત્રના પુરૂષાર્થનું ઉદાહરણ આપી પ્રત્યેક માતા-પિતા દેશની ઉન્નતિમાં યોગદાન આપવા પોતાના સંતાનોને પ્રોત્સાહિત કરે એમ તેઓએ જણાવ્યું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link