અટલ બિહારી વાજપેયીનો 13 અંક સાથે હતો જબરો નાતો...જાણો 13 દિવસથી 13 પાર્ટીની સરકાર સુધી
આટલા મોટા રાજકીય કરિયરમાં આમ તો વ્યક્તિને અનેક અંકો સાથે જોડાવ હોય છે. પરંતુ પૂર્વ પ્રધાનમંત્રીના જીવનમાં એક ખાસ અંકનો અદભૂત નાતો રહ્યો. આ અંક છે 13. કેટલાક લોકોએ આ અંકને તેમના રાજકીય જીવન માટે અશુભ ગણ્યો. પરંતુ આ બધાને નકારતા તેમણે આ અંકને ન તો શુભ માન્યો કે ન તો અશુભ. તેઓ તો બસ તેમનું કામ કરતા રહ્યા.
અટલ બિહારી વાજપેયીએ પહેલીવાર 13 મે 1996ના રોજ દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. તેના બરાબર 13 દિવસ બાદ બહુમત સાબિત ન કરી શકવાના કારણે તેમની સરકાર પડી ગઈ. વાજપેયીની જ્યારે બીજીવાર સરકાર 1998માં બની ત્યારે પણ તે ફક્ત 13 મહિના જ ચાલી શકી હતી.
અટલ બિહારી વાજપેયી જ્યારે ત્રીજીવાર 1999માં પ્રધાનમંત્રી બન્યા તો તેમણે 13 પક્ષોના ગઠબંધનથી સરકાર બનાવી હતી. જેની શપથ તેમણે 13 ઓક્ટોબર 1999ના રોજ લીધી હતી. તે વખતે તેમની સરકારે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો અને પાંચ વર્ષ સુધી રહી હતી.
13ના આ ફેરને અનેક લોકો સમજવા લાગ્યા હતા. તેનાથી બચવાનું પણ તેમને કહેવાયું હતું. પરંતુ વાજપેયી ન માન્યા અને 13 એપ્રિલ 2004ના રોજ તેમણે નામાંકન ભર્યું. 13મેના રોજ થયેલી મતગણતરીમાં ભાજપે સત્તા ગુમાવવી પડી. આમ છતાં અટલ બિહારી વાજપેયી ક્યારેય માન્યા નહીં કે તેમના જીવનમાં કોઈ નંબર શુભ છે કે અશુભ. તેઓ તો આ જ રીતે પોતાનું કામ કરતા રહ્યા અને આગળ વધતા રહ્યા હતા.