ભૂલથી બીજા કોઈના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો Don`t Worry...આ રીતે મેળવો પૈસા પાછા!
છેલ્લા કેટલાય સમયથી એવી ઘટનાઓ જોવા મળી છે કે લોકોના પૈસા ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. કે પછી કોઈની સાથે ઓનલાઈન ફ્રોડ થયું હોય. એવી પણ અનેક ઘટનાઓ સામે આવી છે કે જેમાં ફક્ત મિસ્ડ કોલ આપીને ખાતામાંથી પૈસા ઉડાવી લેવાય છે. આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
જો તમારે આ રીતે ખોટા પૈસા ટ્રાન્સફર થયા હોય કે અન્ય કોઈ સમસ્યા થઈ હોય તો પૈસા પાછા મેળવવા માટે તમારે સૌથી પહેલા તો એટીએમ કાર્ડ નંબર અને ઈન્ટરનેટ બેંકિંગ સેવાને બંધ કરાવવી પડશે. ત્યારબાદ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવો. પછી એફઆઈઆરની એક કોપી બેંકમાં જમા કરાવવી પડશે.
બેંક એફઆઈઆર મુજબ કાઢવામાં આવેલા પૈસાની તપાસ કરશે. જો તમારી સાથે કોઈ ફ્રોડ થયું હશે તો તમને પૈસા પૂરા પાછા મળી જશે. પરંતુ જો તમે ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા જમા કરી દીધા હશે તો પહેલું કામ એ છે કે તમે તમારી બેંકમાં જઈને જાણકારી મેળવો કે તમે કોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. ત્યારબાદ જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હશે તે બેંકને જઈને મળો.
ભૂલથી પૈસા ટ્રાન્સફર થવાના પુરાવા અપાયા બાદ તમને પૈસા પાછા મળી શકે છે. આ માટે પહેલું કામ એ છે કે તમે બેંકને આ અંગે જાણ કરો અને વિસ્તારથી જાણકારી આપો. રિઝર્વ બેંકના જણાવ્યાં મુજબ જો તમારી મંજૂરી વગર પૈસા કાઢવામાં આવે તો તમારે ત્રણ દિવસની અંદર બેંકને આ ઘટનાની જાણ કરવી પડશે. તેનાથી તમારા પૈસા બચી શકે છે. બેંક તમારા દ્વારા અપાયેલી જાણકારીની તપાસ કરશે કે શું તમારા પૈસા ખોટી રીતે કોઈ અન્યના ખાતામાં ટ્રાન્સફર થયા છે કે પછી ખોટી રીતે પૈસા કાઢ્યા છે. તપાસ પૂરી થયા બાદ બેંક તમને તમારા પૂરા પૈસા પાછા આપશે. પરંતુ આ માટે તમારે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.