Tradition of Tattoo: છૂંદણાની 12 હજાર વર્ષ જૂની પરંપરાનો મોર્ડન અવતાર એટલે ટેટુ, જાણો રોચક કહાની
છૂંદણાં અથવા ટેટુની કળા પ્રાચીન કાળથી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે.ઉત્તર ગુજરાતના અંબાજી અને અરવલ્લીથી માંડીને છેક ઉમરગામ અને ડાંગ સુધીના પૂર્વ પટ્ટીના પ્રદેશોમાં વસતા આદિજાતિના પરિવારોમાં છૂંદણાંની આજે પણ પરંપરા જોવા મળે છે.મહારાષ્ટ્ર અને ગોવામાં પણ છૂંદણાંનો મહત્વ જોવા મળે છે.આ સિવાય પણ દેશ અને વિદેશોમાં છૂંદણાથી લઈને ટેટુ સુધીની ફેશનની બોલબાલ જોવા મળે છે.આદિવાસી, માલધારી વર્ગમાં છૂંદણાંની ખાસ પરંપરા જોવા મળે છે.
‘ટેટાઉ’ પરથી ટેટુ શબ્દ આવ્યો હોવાનું માનવામાં આવે છે.જાપાનના આદિવાસી સમાજના ગણાતા ‘આઈનુ’ લોકો પરંપરાગત રીતે પોતાના ચહેરા પર ટેટુ છૂંદણાં કરાવતા હોય છે.પરંતુ સમય જતા તેને ટેટુ શબ્દ મળ્યો અને યુવાનોમાં ખુબ લોકપ્રિય પણ બન્યો.આજે પણ દુનિયાભરમાં યુવાનો-યુવતી પોતાના શરીર પરના અંગો પર ટેટુ કરાવે છે.
છૂંદણાં ત્રોફાવવાની સમગ્ર પ્રક્રિયા ખુબ જ દુ:ખદાયી છે.ત્વચાને સોય વાગે એથી બળતરા પણ થાય. કીડી કે મંકોડાનો ચટકો કે મધમાખીનો ડંખ હોય એવી પીડા છૂંદણાં વખતે થાય.મોટા ભાગે ટેટુ લાંબા સમયે કુદરતી રીતે દુર થઈ જતું હોય છે.પરંતુ કોઈને લાગે કે તેને પોતાના અંગો પરથી ટેટુ હટાવી દેવું છે તો તેમા પણ ખુબ પીડા સહન કરવી પડે છે.પરંતુ ટેટુ દૂર કરવા પહેલા તબીબની સલાહ લેવી ખુબ જ જરૂરી હોય છે.
શરીર ઉપર ટેટૂ દોરવાની પરંપરા 12 હજાર વર્ષ જૂની હોવાનું અનુમાન છે.આજે ટેટુ કરાવવું એ ફેશન છે.પરંતુ પહેલા ટેટુ ઓળખ અને શોર્યનું પ્રતિક હતું.પ્રાચીન સમયમાં શાહી પરિવાર બીજાથી અલગ દેખાવવા છૂંદણાં કરાવતા હતા.જેમાં મુખ્યત્વે ઊગતા સૂર્ય કે પોતાના રજવાડાના ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો હતો.એટલું જ નહીં પણ યુદ્ધમાં લડાઈ પહેલાં સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે તલવાર કે કમાનનું ચિત્ર તેમના હાથ ઉપર દોરતા.રાજા દ્વારા સૈનિકોને તેમની બહાદુરી માટે પણ છૂંદણું ત્રોફાવવામાં આવતું.
ગુનેગારની, માલિકની અને પશુની અલગ ઓળખ થઈ શકે તેના માટે પણ છૂંદણાનો ઉપયોગ થઈ ચુક્યો છે.ગુનેગારોએ કરેલ ગુનાની દુનિયાને ખબર પડે અને તેઓ શરમ અનુભવે તેના માટે શરીર પર છૂંદણા ત્રોફાવવામાં આવતા હતા.એવી જ રીતે ગુલામો બીજાથી અલગ દેખાય તેના માટે પણ છૂંદણાનો ઉપયોગ થતો હતો.એવી જ રીતે અનેક પ્રદેશમાં પ્રાણીઓની ઓળખ માલિક કરી શકે તેના માટે પણ ચિત્રો દોરવામાં આવતા હતા.એટલું જ નહીં પણ છૂંદણાંથી ઈજિપ્તમાં સ્ત્રીઓનો મોભો નક્કી થતો હતો.
ભારતમાં આજે પણ ખાસ પ્રસંગમાં ખાસ કરીને સ્ત્રીઓ મહેંદી મુકતી હોય છે.હાથ પગ ઉપર મહેંદી મુકી વિવિધ રંગની ડિઝાઈન કરવામાં આવતી હોય છે.એવી જ રીતે ભારત અને ઈજિપ્તમાં સદીઓ પૂર્વે છૂંદણાં માટે મહેંદીનો ઉપયોગ થતો હતો. મહેંદીની પેસ્ટને ત્વચાના ઉપરના પડમાં કોતરીને લગાવવામાં આવતી હતી.જેથી ત્વચા પર લાલ-કેસરી, લીલો કે શ્યામ રંગ ઉપસી આવતો હતો. આ રંગ લાંબો સમય જળવાઈ રહે છે.
છૂંદણાં એ માત્ર ફેશન જ નહીં પણ પરંપરાગત કળા છે.આદિજાતિ સમાજમાં છૂંદણાં ત્રોફાવવાની કળા માતા-પતા અને વડીલો પોતાની આગલી પેઢીને શીખવે છે.છૂંદણાં ત્રોફાવાની કામગીરીથી પહેલા લોકો રોજગારી મેળવતા હતા.ગામડે ગામેડ અને મેળાઓમાં જઈને છૂંદણાંની કળાથી લોકો રોજગારી મેળવતા હતા.પરંતુ આજના સમયમાં હવે સોયના બદલે ટેટુ માટે આધુનિક મશીનો આવી ગયા છે.જેથી શહેરોમાં મોટી મોટી દુકાનોમાં ટુટ બનાવવાની કામગીરી થાય છે.
સમયની સાથે છૂંદણાં ટેટુ બની ગયા તેમ ત્રોફાવવાની કળા હવે સ્ટીકરમાં કેદ થઈ ગઈ.આજે રેડિમેડ સ્ટિકર સ્વરૂપે પણ માર્કેટમાં ટેટુ મળે છે.વિવિધ જાત જાતના અને ભાત ભાતના ડિઝાઈન, રંગ-રૂપ અને આકારના રેડિમેડ ટેટુ દુકાનોમાં મળી રહે છે.જેને શરીરના અંગો પર ચોંટાડીને ટેટુ બનાવી શકાય છે.