આટલું ધ્યાન રાખશો તો કારની માઇલેજમાં 3થી 4 કિલોમીટરનો થશે ફાયદો
ભારતમાં જ્યારે કોઈ વસ્તુના ભાવ વધ્યા છે તો તે ત્યારબાદ ક્યારેય ઘટ્યા નથી તે પછી દૂધથી માંડી સોનું-ચાંદી કેમ ન હોય. અત્યાર સુધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં રોટી,કપડા,મકાન મહત્વના ગણાતા હવે બીજી કેટલીક વસ્તુઓ તમારા જીવનમાં સામેલ થઈ ગઈ છે તેના વગર રહેવું મુશ્કેલ બની ગયું છે. કહેવાય છે કે કાર ખરીદતા તો ખરીદી લેવાય છે પરંતું તેને મેઈન્ટેઈન કરવાનો ખર્ચ લોકોને ભારે પડી જાય છે. જે લોકો કારનો ઉપયોગ નોકરી કે વ્યવસાયમાં ઉપયોગ કરતા હોય તેમના માટે ઈંધણના વધતા ભાવથી ફરક પડે છે. પેટ્રોલ-ડિઝલના ભાવ સરકારના નિયંત્રણમાં હોય છે તે દિશામાં આપણે કઈ કરી શકતા નથી. તેવામાં ગુજરાતી છીએ તો કોઈને કોઈ રસ્તો તો કાઢવો પડે. ત્યારે હવે તમારી કારની માઈલેજ વધારવા કેટલાક ઉપાયો અજમાવો તો તમને ચોક્કસથી ફાયદો થશે.
1. એર ફિલ્ટરની સફાઈ છે જરૂરી કારમાં માઈલેજ માટે એર ફિલ્ટર સાફ હોય તે અત્યંત આવશ્યક છે. રોજબરોજ જે કાર વપરાય છે તે કારમાં એર ફિલ્ટર ઝડપથી ખરાબ થઈ જતું હોય છે. જો એર ફિલ્ટર ખરાબ થઈ ગયું હોય તો કારના એન્જિન સુધી પેટ્રોલ યોગ્ય રીતે પહોંચી શકતું નથી. ખરાબ એર ફિલ્ટરના કારણે કારની એનર્જી વધારે વપરાય છે અને તેના કારણે એવરેજ પણ ઘટી જાય છે. ઘણા કારચાલક એર ફિલ્ટર સાફ છે કે નહીં તેનું ધ્યાન રાખતા નથી. તેવામાં કારની માઈલેજ વધારવી હોય તો એર ફિલ્ટર નિયમિત રીતે સાફ રહે તે જરૂરી છે.
મોટાભાગના કારચાલકો એવા હોય છે જે કોઈ કામ માટે નીકળે અને રસ્તા પર પેટ્રોલ પંપ આવે ત્યારે ઈંધણ પૂરાવી દે છે. પરંતું તમે તમારી આ આદતમાં ફેરફાર કરી શકો છો. તમે સવારના સમયમાં નજીકના પેટ્રોલ પંપ પર ઈંધણ પૂરાઈને આવો અને જો તમને સવારે સમય ન મળે તો તમે સાંજે પણ ઈંધણ પૂરાવી શકો છો. સવારે ઈંધણ પૂરાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે સવારમાં તડકો ઓછો હોય છે જેના કારણે પેટ્રોલ-ડિઝલની ઈન્ટેસ્ટીવીટી ઓછી રહે છે અને ક્રૂડ ઝડપથી ગરમ થતું નથી અને ઈંધણનો વપરાશ તેના કારણે ઓછો થૈય છો.
હા એ વાત સાચી કે કાર આપણને સૌથી વધારે ઉપયોગી સામાન ભરવાનો હોય ત્યારે લાગે છે પરંતું આ વાત પણ સ્વીકારવી પડે કે જો કારમાં જેટલું વધારે વજન ભરશો તો તેની અસર કારની માઈલેજ પર પડે છે. કારમાં ઓછામાં ઓછું વજન રહે તેનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણીવાર કારમાં બિનજરૂરી સામાન હોય છે જે કારમાં ક્યાય સુધી પડ્યો રહેતો હોય છે. વધારાનો સામાન તમારી કારમાં અંદાજે 50 થી 60 કિલોગ્રામ જેટલું વજન રોકે તો તે કારમાં વધારાની વ્યક્તિને સાથે લઈ જવા બરાબર છે. ઘણા લોકો એવા હોય છે જે કારની ડેકી જાણે સ્ટોરરૂમ હોય તેમ સામાન આંખો બંધ કરીને ભરતા રહેતા હોય છે. જો તમારે કારની માઈલેજને જાળવી રાખવી હોય તો આ આદતમાં થોડો સુધારો કરવો પડશે.
મનુષ્ય પૌષ્ટિક ખોરાક લે ત્યારે તેનામાં યોગ્ય શક્તિ આવે છે રોજબરોજના કામ કરી શકે છે અને વજન ઊંચુ કરી શકે છે. ત્યારે આ નિયમો તમારા કિંમતી વાહન માટે પણ લાગુ પડે છે. ઘણા કારચાલક સેલ મારીને નીકળી જાય છે. દરરોજ ફરતા રહેતા હોય છે પણ કારના ટાયરની હવા ચેક કરવામાં બેદરકારી દાખવતા હોય છે. સતત કાર ચાલવાના કારણે ટાયરમાં હવાનું દબાણ વધે છે અને ટાયરમાંથી હવા ઓછી થઈ જાય છે. જો કારના ટાયરમાં હવા ઓછી હશે તો ચાલકે એક્સિલેટરનો વધુ ઉપયોગ કરવો પડે અને તેના કારણે કારની વધુ તાકાત વપરાય છે. નિયમિત કારના ટાયરની હવા ચેક કરાવવી અને ટાયરમાં જેટલી હવા જરૂરી છે તેટલી જ રાખવી જોઈએ. તમે તમારા કારના 4 ટાયરનું નિયમિત ચેકિંગ કરતા રહેશો તો એવરેજમાં તો ફાયદો થશે પણ સાથે સાથે કારના ટાયરોનું આયુષ્ય પણ વધી જશે.
માણસ જો બિમાર પડે તો તે કોઈને કહીં શકે કે મારી તબિયત ખરાબ છે મને દવાખાન લઈ જાઓ. પણ કાર તમને તમારી સમસ્યા કહીં શકશે નહીં. તેવામાં તમારે જ તમારા કારને મેઈન્ટેઈન કરવા માટે તેની રેગ્યુલર સર્વિસ કરાવવી પડશે. તમે કાર સર્વિસમાં આપશો કારના ઓઈલથી લઈને તેના એરફિલ્ટર, ટાયરોની હવા અને બીજા મિકેનીઝમ સાથેના મહત્વની કામગીરી હોય તેની જાણકારી ન હોય તેવી તમામ બાબતોનું ધ્યાન રાખી કારની સર્વિસ કરવામાં આવતી હોય છે. કારની સર્વિસ નિયમિત થતી હોવાની અસર તમને ડ્રાઈવિંગ કરતા પણ મહેસૂસ થતી હશે. તમે એમ સમજો કે તમારા કારનું નિયમિત 3 કે 4 મહિને મેડિકલ ચેકઅપ કરાવવું છું. નિયમિત કાર સર્વિસ થવાના કારણે કારની માઈલેજમાં સુધારો જોવા મળે છે.
કારનું બહારથી ધ્યાન રાખી કેવી રીતે માઈલેજ વધારી શકાય તેના ફાયદા જાણ્યા હવે એ પણ જાણવું જરૂરી છે કે કાર ચલાવવાની રીતમાં કેટલાક ફેરફાર કરાય તો કારની માઈલેજ વધારી શકાય છે. ઘણા લોકોને ફરિયાદ રહેતી હોય છે કે પેટ્લો-ડિઝલ કે CNG ભરાવે છે પરંતું અપેક્ષા પ્રમાણે એવરેજ મળતી નથી. અહીં હવે જાણો કાર ચલાવતા કઈ કઈ બાબતોનો ધ્યાન રાખે જેનાથી કાર મેઈન્ટેઈન રહે અને માઈલેજ પણ વધારી શકાય.
કાર ચલાવવી અને તેને યોગ્ય ટેકનિકથી ચલાવવી તેમાં ફરક છે. જ્યારે તમે કાર ચલાવો ત્યરે ગિઅર પણ ધ્યાનથી બદલવા જોઈએ. કારની ગતિ જો તમે વધારો તો તુરંત તે ગતિ પ્રમાણે ગિયર વધારો અને ગતિ ઓછી કરો તો ગિયર પણ ઓછો કરી લો. ઘણાં એવા કારચાલક હોય છે જે લોકો 60 થી ઉપર સ્પીડ પર કાર જવા દે છે પરંતું તે ગિયરને સિફ્ટ કરવાનું ભૂલી જાય છે જેના કારણે એન્જિનને ઘર્ષણ પડે છે. વારંવાર ગિયર બદલાય તો તેના કારણે કારને વધુ તાકાતનો ઉપયોગ કરવો પડે છે. લાંબા રસ્તામાં હાઈવે પર ઓછામાં ઓછ ગિઅર બદલવાનો પ્રયત્ન કરો.
ઘણીવાર મેટ્રો સિટીમાં અનેક ટ્રાફિક સિગ્નલમાં ઊભું રહેવું પડતું હોય છે. જો તમે સિગ્નલ પર ઉભા છો અને સિગ્નલ ખુલવાની થોડી વાર હોય તો કારનું એન્જિન ઓફ કરી દો. સિગ્નલ પર કે ક્યાય ઉભું રહેવાનું હોય અને એ સમયે જો તમે કારનું એન્જિન ઓફ કરી દેશો તો કારની તાકાત અને ઉર્જામાં બચત થશે અને તેના કારણે ઈંધણ ઓછું વપરાશે. આ પ્રેકટીસના કારણે માઈલેજમાં સારો એવો ફરક જોવા મળશે.
ઘણા એવા કારચાલક હોય છે જે કાર ડ્રાઈવ કરતા સમય તેની સ્પીડ કેટલી રાખવી તેનું ધ્યાન રાખતા નથી. જો તમે શહેરમાં કાર ડ્રાઈવ કરો તો 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી શકો છો. કાર ચલાવતા જો યોગ્ય ગતિ રાખશો તો તેનાથી કારની માઈલેજ પણ જળવાઈ રહેશે અને વધુમાં અકસ્માત થવાની શક્યતા પણ ઘટી જશે.
કારમાં એક્સલેટર એન્જિન અને ઈંધણની ટાંકી સાથે જોડાયેલું હોય છે. ઘણા લોકો કાર ચલાવતા ક્યારેક એક્સલેટર વધારે દબાવી દેતા હોય છે અને ગિઅર સિફ્ટ યોગ્ય રીતે નથી કરતા તેવામાં કાર ચલાવતા વધાર ઉર્જાનો ઉપયોગ થાય છે અને તેનાથી ઈંધણ પણ વધુ વપરાય છે.
અનેક કારચાલકો એવા હોય છે જેઓ AC ઓન રાખીને જ કારમાં ફરતા રહે છે. કારમાં AC ઓન રહેવાના કારણે એન્જિનનું દબાણ વધી જાય છે અને તેના માટે એન્જિનને વધારે ઈંધણની જરૂર પડે છે. જો ઈંધણ વધારે વપરાય તેના કારણે માઈલેજ પર પણ તેની અસર પડે છે. તેવામાં જો તમને લાગે કે ACની જરૂર નથી તો તમે AC બંધ રાખીને કાર ચલાવી શકો છો જેનાથી કારની માઈલેજમાં વધારો જોવા મળશે.