Photos: જ્યાં અન્ય ખેડૂતો રાતા પાણીએ રડે છે, ત્યાં આ ખેડૂતે ખાસ ખેતીથી કમાવ્યા અઢળક રૂપિયા
ઉનાના ખાપટ ગામે રહેતા નીતિનભાઈ માલાવીઆ નામના ખેડૂતે પોતાના ખેતરમાં એપલ બોરનું વાવેતર કરીને નવો ચીલો ચાતર્યો છે. મોટેભાગે ઉના તાલુકામાં મગફળી, કપાસનું વાવેતર થાય છે અને કુદરતી અસમાનતાને કારણે ખેડૂતોનો પાક અસફળ થાય છે, અથવા તો તેનો પૂરતો ભાવ નથી મળતો. ખેડૂત ગમે એટલી મહેનત કરે, તો પણ પૂરતા પોષણક્ષમ ભાવો નથી મળતા, ત્યારે આ ખેડૂતે પોતાના 35 વિઘા ખેતરમાં 3 વર્ષ પહેલાં બોરડી વાવી હતી. 35 વિઘા જમીનમાં 6500 જેટલી બોરડીનું વાવેતર કરીને તેમણે પ્રથમ વર્ષથી જ આવક મેળવવાનું શરૂ થયું હતું.
બજારમાં અનેક પ્રકારના બોર મળે છે. પરંતુ તેમાં એપ્પલ બોરની ડિમાન્ડ વધુ રહે છે. એક બોરડીમાં 60 કિલો આસપાસ બોર આવે છે. એટલે કે 6500 બોરડીમાં 3 લાખ 90 હજાર કિલો બોરનું ઉત્પાદન આવે છે. આ બોરની ડિમાન્ડ દિલ્હીમાં સૌથી વધુ રહે છે અને 10 કિલોના બોક્સના 350 રૂપિયા આવે છે.
તો બીજી તરફ, અમદાવાદ-રાજકોટમાં 250-300 આસપાસનો ભાવ મળે છે. આમ વર્ષમાં બધો ખર્ચ કાઢતા 20 લાખ આસપાસની કમાણી થાય છે. આ બોરડીનું વધુ જતન પણ કરવું નથી પડતું અને દવાનો ખર્ચ પણ બચે છે. આમ એક નવી પહેલ દ્વારા ખેડૂતે પોતાની આવક બમણી કરી છે, ત્યારે આવી રીતે ખેડૂતો પોતાના ખેતર માં અવનવા પ્રયોગ કરે તો ચોક્કસ લાભ થઈ શકે છે.