આવી દિવાળીની ઉજવણી આખા દેશમાં ક્યાંય નથી થતી, ઈંગોરિયા ફેંકીને કરાય છે યુદ્ધ
)
સાવરકુંડલા એ ગુજરાતનું એકમાત્ર એવુ શહેર છે, જ્યાં દિવાળીની રાતે અનોખી રીતે ઉજવણી થાય છે. અહીં ઉજવણીમાં ઈંગોરીયાનું યુદ્ધ કરવાની પરંપરા છે. જેને કારણે અહીંની દિવાળી વખણાય છે. સાવરકુંડલામા દિવાળીની રાતે જામે છે ઈંગોરીયા અને કોકડાની લડાઈ. આ કોઈ ખરેખરનું યુદ્ધ નથી હોતું અને જે આગના ગોળા દેખાઈ રહ્યાં છે તે અસલી બારુદ નથી. પરંતુ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે. સાવરકુંડલામાં દૂનિયામાં એક માત્ર એવુ ગામ છે, જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે હોમમેઈડ ફટાકડાથી દિવાળી કરાય છે. આ ફટકડા એટલા બિનનુકસાનકારક હોય છે કે, યુવાનો એકબીજા પર ફેંકીને દિવાળી રમે છે.
)
સાવરકુંડલામાં લગભગ સો વર્ષથી દિવાળીની રાતે જામે છે ઈંગોરિયાની લડાઈ. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એકબીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોય. આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એકબીજા પર ફેંકે છે. આ રમત વર્ષોથી રમાતી આવે છે.
)
વાત એવી છે કે, લગભગ આ ચોથી પેઢી આ રમત રમી રહી છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુદ્ધ જામતુ હતુ. હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે. આ રમત જોવા લોકો માત્ર ગુજરાતના અન્ય શહેરોમાંથી જ નહિ, પરંતું અન્ય રાજ્યોમાંથી પણ આવે છે. આ એક પ્રકારની નિર્દોષ રમત છે.
ઈંગોરીયાની રમત છેલ્લા ચાર દાયકાથી સાવરકુંડલામાં રમાય છે. પહેલા ઈંગોરીયાની રમત રમાતી હતી, પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે. સાવરકુંડલાના યુવાનો ઈંગોરીયા અને કોકડા એકબીજા ઉપર ફેંકે છે. આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી. આ રમત સાવરકુંડલાના નાવલી ચોકમાં, રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવળાગેઇટ વિસ્તારોમાં રમાય છે. સાવરકુંડલાની બહાર રહેતા લોકો પણ ઈંગોરીયા અને કોકડાની રમત જોઈને ચકિત થઈ જાય છે.
ઈંગોરિયા અને કોકડાની આ લડાઈમાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. આ ઉપરાંત કોઈ ગંભીર રીતે દાઝ્યુ હોઈ તેવુ પણ બન્યુ નથી. સંપૂર્ણ પણે હોમમેઈડ એવા ઈંગોરિયાની લડાઈ જોવા દુર દુરથી લોકો સાવરકુંડલા આવે છે. ખાસ કરીને સાવરકુંડલાનો યુવાન ભલે દેશના કોઈ પણ ખુણે સ્થાયી થયો હોય, પરંતુ દિવાળીના દિવસે તે અચુક કુંડલામાં આ રમત રમવા આવે છે.