દ્વારકાધીશ મંદિરમાં લહેરાય છે 52 ગજની ધ્વજા, દિવસમાં 3 વાર બદલાય છે રંગ
આ મંદિરના શિખર પર લાગેલી ધ્વજા હંમેશા પશ્ચિમથી પૂર્વમાં લહેરાય છે. 52 ગજની આ ધ્વજા અંગે એવી માન્યતા છે કે દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યું. આ તમામના પોતાના ભવન હતાં. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ, અનિરુદ્ધજી અને પ્રદ્યુમનજી દેવસ્વરૂપ હોવાના કારણે મંદિર બનેલા છે અને તેમના મંદિરના શિખર પર તેમના ધ્વજ લહેરાય છે.
બાકી 52 પ્રકારના યાદવોના પ્રતિક સ્વરૂપે અહીં 52 ગજની ધ્વજા દ્વારકાધીશના મંદિર પર લહેરાય છે. મંદિરમાં પ્રવેશ માટે ગોમતી માતા મંદિરની સામે 56 સીડીઓ પણ તેનું પ્રતિક છે.
સાત માળના આ મંદિરના શિખર પર લહેરાતી ધર્મધ્વજાને જોઈને દૂરથી જ શ્રી કૃષ્ણના ભક્તો તેમની સામે પોતાનું માથું ઝૂકાવી દે છે. આ ધ્વજા લગભગ 84 ફૂટ લાંબી છે જેમાં વિવિધ પ્રકારના રંગ હોય છે.
મંદિરની ઉપર લાગેલી ધ્વજા પર સૂર્ય અને ચંદ્રમાંના પ્રતિક ચિન્હ બનેલા છે. સૂર્ય ચંદ્ર શ્રીકૃષ્ણના પ્રતિક ગણાય છે. આથી તેમના મંદિરના શિખર પર સૂર્ય ચંદ્રના ચિન્હવાળા ધ્વજ લહેરાય છે.
દ્વારકાધીશજીના મંદિર પર લાગેલી ધ્વજાને દિવસમાં 3 વાર સવારે, બપોરે, સાંજે બદલાય છે. મંદિરની ઉપર ધ્વજા ચઢાવવાનો અને ઉતારવાનો અધિકાર અબોટી બ્રાહ્મણોને પ્રાપ્ત છે. દર વખતે અલગ અલગ રંગના ધ્વજ મંદિર પર લગાવવામાં આવે છે.
મંદિરમાં લાગેલી દરેક ધ્વજાના રંગનું પોતાનું અલગ મહત્વ છે. લાલ રંગ ઉત્સાહ, સ્ફૂર્તિ, પરાક્રમ, ધનધાન્ય, વિપુલ સંપત્તિ, સમૃદ્ધિનું પ્રતિક છે. લીલો રંગ આધ્યાત્મિક પ્રેરણાનું પ્રતિક ગણાય છે. આ સાથે જ મનુષ્યની સુખ શાંતિ અને આંખોની જ્યોતિ વધારનારો છે.
પીળો રંગ જ્ઞાન, વિદ્યા, અને બુદ્ધિનું પ્રતિક ગણાય છે. નીલો રંગ બળ અને પૌરુષનું પ્રતિક ગણાય છે. સફેદ રંગ પવિત્રતા, શુદ્ધિ અને વિદ્યાનું પ્રતિક મનાય છે. ભગવો રંગ સાહસ, નિડરતા અને પ્રગતિ ગણાય છે. ગુલાબી રંગ મનુષ્યના સ્વભાવને ગુલાબ જેવો બનાવવનું સૂચક છે. (તસવીરો સાભાર- @GujaratTourism)