ગુજરાતની આ દીકરીએ નામ રોશન કર્યુ, હુલા હુપમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
સંસ્કારી નગરી, કલાનગરી તરીકેની ઓળખ ધરાવતા વડોદરામાં ગલીએ ગલીએ ટેલેન્ટ જોવા મળે છે. વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં રહેતા સોની પરિવારની નવ વર્ષીય દીકરી જૈમીની પ્રશાંત સોની એ એક અનોખો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. એક મિનિટમાં હેર બન પર સૌથી વધુ હુલા હૂપ રોટેશન 153 વખત કરી ગીનીશ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
મહત્વની વાત છે કે 9 વર્ષની જૈમીની હાલ ભારતીય વિદ્યા ભવનના ચોથા ધોરણમાં ભણે છે. અગાઉ આ પ્રકારનો 138 વખત હેર બન પર હુલા હુપ કરવાનો રેકોર્ડ બનેલો હતો, જેને જૈમીની દ્વારા 153 વખત રોટેશન કરી તોડવામાં આવ્યો છે.
દીકરીએ ભવિષ્યમાં પોતાનો જ રેકોર્ડ બ્રેક કરીને અન્ય એક રેકોર્ડ સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જૈમીનીએ જણાવ્યું કે, હું દરરોજની લગભગ એક કલાક જેટલી પ્રેક્ટિસ કરું છું. ભવિષ્યમાં હુલા હુપર બનવાની ઈચ્છા છે.
જૈમીનીની માતા અંકિતા સોની એ જણાવ્યું કે, છેલ્લા છ વર્ષથી હુલા હુપ કરી રહી છે. ભણવાની સાથે સાથે પણ ઇતર પ્રવૃત્તિઓમાં સારો ભાગ લે છે. અમારા માટે ખુબ જ ગૌરવની વાત છે કે આટલી નાની ઉંમરે બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.
ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને પહેલા જ્યારે જૈમીની આઠ વર્ષની હતી ત્યારે હાર્ડવડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો.
વધુમાં જણાવ્યું કે, આવી રીતે હેર બનમાં હુલા હુપ કરવાનો રેકોર્ડ વડોદરામાં પ્રથમ વખત બન્યો છે એવું કહી શકાય. તથા જૈમીની જ્યારે પણ સ્કૂલમાંથી આવે અને ફ્રી ટાઇમ મળે ત્યારે તેના હાથમાં હુલા હુપ જ જોવા મળતો હોય છે આખો દિવસ એની જ પ્રેક્ટિસ કરતી હોય છે. જેનું પરિણામ આજે આપણે જોઈ શકીએ છે.
ખાસ કરીને એકેડેમિકની સાથે બીજી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે. આજના સમયમાં ફક્ત ભણતર નહીં પરંતુ અન્ય પ્રવૃત્તિઓ કરવી પણ ખૂબ જરૂરી થઈ ગઈ છે જેનાથી બાળક ખૂબ આગળ વધી શકે.