Vadodara Accident : પિકનિક કરવા ગયેલા પાટીદાર પરિવારને કાળ ભરખી ગયો, અકસ્માત બાદ હવે પરિવારમાં કોઈ ન બચ્યું
વડોદરામાં ગઈકાલે મોડી રાત્રે નેશનલ હાઇવે પર થયેલ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત નિપજ્યા છે. જામ્બુવાથી તરસાલી તરફ કારમાં જઇ રહેલા પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. રોડની સાઈડમાં ઉભેલ કન્ટેનરમાં કાર પાછળથી અથડાઈ હતી. પાટીદાર પરિવાર સુરતથી વડોદરા તરફ આવી રહ્યો હતો. ત્યારે આ અકસ્માતમાં 1 વર્ષના બાળક સહિત 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.
અકસ્માતમાં 4 વર્ષની બાળકી અસ્મિતા પટેલનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની જાણ થતાં મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડને પણ મદદ માટે બોલાવાઈ હતી. હાઇવે પર રોડની સાઈડમાં ઉભા રહી જતા મોટા વાહનો લોકોના જીવ લઇ રહ્યા છે.
પ્રજ્ઞેશભાઈ પટેલ (ઉં.વ. ૩૪), ભાવેશભાઈ પટેલ (ઉં.વ. ૩૦), ઉર્વશિબેન પટેલ (ઉં.વ. ૩૧), ભૂમિકાબેન પટેલ (ઉં.વ. ૨૮), લવ પટેલ (ઉં.વ. ૧) અને અકસ્માતમાં બચી જનાર અસ્મિતા પટેલ ( ઉં.વ. ૪)
વડોદરાનો જે પાટીદાર પરિવાર મોતને ભેટ્યો તેમાં બે સગા ભાઈ, બંનેની પત્ની અને એક બાળકનું મોત નિપજ્યું. મૃતક પ્રજ્ઞેશ અને ભાવેશ બંને MRની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૃતકના મિત્રોએ કહ્યું, પરિવાર પિકનિક કરવા પ્રજ્ઞેશના ભરૂચના નિકોરા ગામમાં આવેલ ખેતરમાં ગયું હતું. પિકનિક પૂરી કરી વડોદરા પરત ફરી રહ્યા હતા તે સમયે અકસ્માત થયો હતો.
બંને ભાઈઓમાં નાનો ભાઈ ભાવેશના તો હજી બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા, લગ્ન જીવનની શરૂઆત થાય તે પહેલા કુદરતે મોત આપ્યું હતુ. અકસ્માત બાદ હવે પરિવારમાં કોઈ બચ્યુ નથી. માત્ર ચાર વર્ષની બાળકી જીવિત રહી.
પટેલ પરિવારના 5 સભ્યોના મૃતદેહ સયાજી હોસ્પિટલ પીએમ માટે લાવવામાં આવ્યા હતા, ત્યારે ભાવુક દ્રષ્યો સર્જાયા હતા. સયાજી હોસ્પિટલમાં મૃતદેહ લેવા મૃતક પ્રજ્ઞેશ અને ભાવેશના મિત્રો આવ્યા હતા. ત્યારે મિત્રો ચૌધાર આસુએ રડી પડ્યા હતા. તમામના આંખમાં આસું હતું.
આ અકસ્માતમાં માત્ર પ્રજ્ઞેશ પટેલની ચાર વર્ષની બાળકી જ જીવિત બચી છે. જે હવે પરિવાર ગુમાવ્યા બાદ નોંધારી થઈ છે. જોકે, તેના પાલન પોષણ કરવા મિત્રોએ તૈયારી દર્શાવી છે.