વડોદરાના પોશ વિસ્તારનો એક આખો માળ પાણીમાં ડૂબ્યો, લક્ઝુરિયસ કાર રમકડાની જેમ પાણીમાં તરી
વડોદરાના હરણી વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યું ફાયર બ્રિગેડ દ્વારા રબર બોટમાં લોકોનું રેસ્ક્યૂ કરાયું. 7 લોકો પાણીમાં ફસાયા હતા, તેઓનું રેસ્ક્યૂ કરાયું. હરણી વિસ્તારમાં એક માળ ડુબી જાય તેટલા પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પીવાનું પાણી, શાકભાજી કે અનાજ પણ નથી. 1 માળ સુધી પાણી ભરાતા અનેક લોકોને બહાર નીકળવાની તકલીફ પડી. ફસાયેલા લોકો સુધી પણ રેસ્ક્યૂ બોટ પહોંચી શક્તી નથી.
શહેરનાં સમા હરણી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. કરોડોનાં ખર્ચે બનેલા એપાર્ટમેન્ટ પાણીમાં ડૂબ્યા છે. સર્વત્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. એપાર્ટમેન્ટોમાં પાણી ઘૂસી આવ્યા લોકોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. વિસ્તારનાં તમામ એપાર્ટમેંટોનાં હજારો રહીશો પૂરના પાણીમાં ફસાયા હતા.
અમિતનગરથી સમા જતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. શિવા શિવ, અજીતા નગર સોસાયટીમાં પાણી ભરાયા છે. પાણીનું વહેણ એટલું વધુ છે કે સોસાયટી સુધી પણ નથી જઇ શકાતું. રોડ પર અને સોસાયટીના નાકે ભરેલા પાણીમાં કાર આખી ડૂબી ગઈ. કારની માત્ર છત જ દેખાય છે. લોકોએ કહ્યું, કુદરતી કહેરની સાથો સાથ કોર્પોરેશનનો નિષ્ફળ વહીવટ પણ છતો થયો. 30 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન છતાં શહેરનો વિકાસ નથી થયો. સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાતા અનેક લોકોને નુકસાન થયું. સરકારે પાણી ઓસરે એટલે સર્વે કરી કેશડોલ અથવા સહાય આપવી જોઈએ તેવું લોકોએ કહ્યું.
વડોદરાના સમા વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા છે. જય યોગેશ્વર સોસાયટીમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પાણી ભરાતા ઘરવખરી પલળી છે.
સમા વિસ્તાર આખેઆખો બેટમાં ફેરવાયો છે. વિસ્તાર આખો પાણીમા ગરકાવ થઈ ગયો છે. જેથી લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. હજુ પણ શહેરમા વરસાદી માહોલ છે.
રાજ્યમાં મેઘરાજાની તોફાની ઈનિંગ યથાવત છે. ત્રણ દિવસથી મેઘરાજી ગુજરાતને ઘમરોળી રહ્યા છે. આજે પણ રાજ્યના 234 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ રાજકોટમાં 6.5 ઈંચ વરસાદ રહ્યો. તો લોધિકામાં 6.5, કોટડાસાંગાણીમાં 5 ઈંચ વરસાદ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4.5 ઈંચ, જામગરમાં પણ વરસ્યો 4, ચોટીલામાં 4 ઈંચ વરસાદ, ખંભાળિયામાં પોણા 4, દ્વારકામાં 3.5 ઈંચ વરસાદ, જામનગરના કાલાવડ અને ખેડાના મહુધામાં 3.5 ઈંચ, દ્વારકાના ભાણવડમાં સવા 3 ઈંચ વરસાદ વરસ્યો. રાજકોટના જામકંડોરણા અને ગોંડલમાં પણ 3 ઈંચ વરસાદ વરસ્યો. આમ, રાજ્યના 81 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો. રાજ્યમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો.
ગુજરાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ માહિતી આપતા જણાવ્યું કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિકસેલું ડિપ્રેશન ધીમે ધીમે ગુજરાત તરફ આવ્યું અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે અમારા વરસાદના આંકડા પ્રમાણે અમે દરેક જિલ્લામાં NDRF અને SDRF તૈનાત કર્યા છે અને હવે અમે આર્મીને પણ સ્ટેન્ડબાય રહેવા કહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી થયેલા વરસાદને કારણે એક ટ્રેક્ટર વહી ગયું હતું. મોરબી જીલ્લામાં 18-20 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 10ને બચાવી લેવામાં આવ્યા છે અને 8 હજુ પણ લાપતા છે. નર્મદા ડેમ પણ લગભગ ભરાઈ ગયો છે. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે. આખા ચોમાસામાં અત્યાર સુધીમાં લગભગ 1700 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, 99 લોકોના મોત થયા છે.