માછીમારના પુત્રમાં હાથમાં કલાનો વાસ : મોટા જહાજોના મિનિયેચર પીસ બનાવ્યા
નારગોલમાં રહેતા આ વુડ આર્ટિસ્ટ યુવકનું નામ છે પ્રશાંત દમણીયા. આર્ટિસ્ટ યુવકને જહાજો સાથે ખૂબ લગાવ છે અને આ યુવક મોટા જહાજોની અદભુત પ્રતિકૃતિ બનાવવામાં માહિર છે. પ્રશાંતના પરિવારજનો માછીમારી સાથે સંકળાયેલા છે. મોટેભાગે તેમનો સમય દરિયાકિનારે અને દરિયામાં માછીમારીમાં પસાર થાય છે. આથી હોડી અને જહાજો પ્રશાંતના જીવનનું અભિન્ન અંગ છે. કોરોના કાળ દરમિયાન દરિયા કિનારે ફરતી વખતે પ્રશાંતને એક મોટું લાકડું મળ્યું હતું. આ લાકડામાંથી તેણે હોડી બનાવવાની શરૂઆત કરી હતી.
મર્ચન્ટનેવીનો અભ્યાસ કરેલો પ્રશાંત નાનપણથી જ ભણવામાં ખુબ હોશિયાર હતો. પોતાના પિતા સાથે અનેકવાર માછીમારી કરવા દરિયાનું ખેડાણ કરી ચૂકેલા પ્રશાંતને અંગ્રેજી મુવી પિયરેટ્સ ઓફ કેરેબિયનનું બ્લેક પર્લ નામનું જહાજ અતિશય પસંદ છે. આથી તેણે દરિયા કિનારે મળેલા લાકડામાંથી પાઇરેટ્સ ઓફ કેરેબિયનમાં જોવા મળેલું બ્લેક પર્લ નામના જહાજની પ્રથમ આબેહૂબ પ્રતિકૃતિ બનાવી હતી. આ પ્રતિકૃતિના આજે 2 લાખ રૂપિયાના ભાવ બોલાઈ રહ્યા છે. તેમ છતાં પોતાની પ્રથમ બ્લેક પર્લ પ્રતિકૃતિ કોઈ પણ ભોગે વેચવા નથી માંગતો.
પ્રશાંતે અત્યાર સુધી 50થી વધુ નાની મોટી હોડીઓ બનાવી છે. બે ફૂટથી લઈ સાત ફૂટી સુધી લાંબી નાની હોડીઓ અને જહાજોની પ્રતિકૃતિ બનાવી ચૂક્યો છે. આસપાસના વિસ્તારોમાં રહેતા માછીમારો પોતાની પ્રિય બોટની પ્રતિકૃતિ પ્રશાંત પાસે બનાવડાવે છ અને ત્યારબાદ તેને ઘરમાં રાખી વાર તહેવારે પૂજા પણ કરે છે.
પ્રશાંતે બનાવેલી હોડીઓની માંગ વિદેશથી પણ આવી રહી છે. અત્યાર સુધી પ્રશાંતે વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારના માછીમારો માટે બોટની પ્રતિકૃતિ બનાવી છે. પરંતુ યુકેમાં પણ તેની બોટની પપ્રતિકૃતિઓ વેચાય છે. પ્રશાંત હવે 5000 થી લઇ 2 લાખ સુધીની નાની હોડીઓની પ્રતિકૃતિ બનાવે છે અને પોતાના પરિવાર માટે આર્થિક ઉપાર્જન નું સાધન પણ બની રહ્યો છે.
શુ તમે ક્યારેય સ્વપ્નેય એવું વિચાર્યું છે કે તમારા શોખ પણ તમારી આજીવિકાનું સાધન બની શકે છે..? ત્યારે આવુજ કઈક કમાલ કરી બતાવ્યું છે વલસાડ જિલ્લાના દરિયાઈ પટ્ટીમાં રહેતા એક યુવાને.. ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં રહેતા એક માછી યુવાને કોરોના કાળમાં શોખ પૂરો કરવા જહાજોની પ્રતિકૃતિ બનાવવાની શરૂઆત કરી.
આ યુવાનને નાની હોડીઓ અને નાના જહાજની પ્રતિકૃતિઓ બનાવવાનો એવો તો ગજબ નો શોખ છે કે આ યુવાન શોખના ભાગરૂપે કોઈપણ જહાજ કે બોટ ના ફોટો પરથી તેની આબેહૂબ પ્રતિકૃતિ બનાવે છે. કોરોના કાળમાં શોખ તરીકે વિકસેલી આ કળા હવે આજીવિકા નું સાધન બની રહી છે. તો સાથેજ આ યુવક ની કળા ની ચોમેર પ્રસંશા થઈ રહી છે.