ગત ચોમાસામાં અહીં લોકોને બચાવવા NDRFની ટીમ ઉતારી હતી, આજે પાણી માટે મારી રહ્યાં છે વલખા
સોમનાથથી ઉના શહેરમાં પ્રવેશ કરતાની સાથે જ આવતો વિસ્તાર એટલે રામનગર ખરા વિસ્તાર. 6 હજારથી વધુની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં આજે પીવાના પાણી માટે મહિલાઓ અને બાળકો દરદર ઠોકરો ખાય રહ્યાં છે. સમગ્ર ગુજરાતની સાથે જાણે ઉનાના આ વિસ્તારમાં પણ દુષ્કાળ પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાય છે.
ગત ચોમાસામાં જે તાલુકામાં પાણીથી લોકોને બચાવવા માટે બે-બે ત્રણ-ત્રણ એનડીઆરએફની ટીમ ઉતારવી પડી હોય તે તાલુકાની પ્રજા આજે પાણી માટે ભટકી રહી છે. આ વિસ્તારની મહિલાઓનું માનીએ તો સ્થાનિક તંત્ર ના પાપે આજે ઘણાં દિવસોથી પીવાનું પાણી નથી આવ્યું.
અનેકવાર લેખિત અને મૌખિક રજુઆત કરી હોવા છતાં બહેરુ પાલિકા તંત્ર જાણે કાન આડા હાથ રાખી બેઠું હોય તેમ કોઇ જ સાંભળતું નથી. પીવાનું પાણી ન મળવાને કારણે આ વિસ્તારની અડધી મહિલાઓ કુવામાંથી પાણી સીંચીને ભરે છે. તો અડધી મહિલાઓ વેચાતું પાણી મગાવે છે.
તો ઘણી મહિલાઓનું માનીએ તો બે-બે ત્રણ-ત્રણ મહિના થવા છતાં પાલિકાએ પાણી જ આપ્યું નથી. જો કે, પાલિકાને કાને ભણક આવી હોય તેમ અચાનક પાણીનું ટેન્કર મોકલાવતા મહિલાઓનું ટોળું પાણી ભરવા માટે ઉમટી પડ્યું હતું. સમગ્ર ગુજરાતની સાથે જાણે ઉનાના આ વિસ્તારમાં પણ દુષ્કાળ પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાય છે.
લોકો મોટરસાઇકલ પર પીવાના પાણીના કેરબા ભરીને ઘરે લઇ જાતા જોવા મળ્યા તો ક્યાંક નાના ભૂલકાઓ હાથ લારી લઇને પીવાના પાણી માટે દરદર ભટકી પોતાના ઘરે પાણી લઇ જતા જોવા મળ્યા હતા. 2018માં આવેલા ભારે વરસાદમાં ઝી 24કલાકે આ વિસ્તારમાં ભરાયેલા પાણીથી તંત્રને અવગત કરાવ્યું હતું.
કમનસીબી કહો કે તંત્રની બેદરકારી કહો જે વિસ્તાર પાણીમાં ગરકાવ હતો. આજે તે જ વિસ્તારના લોકોને હાલ પાણીના સાંસા છે. સમય બદલાયો પણ તંત્રના બદલાયું ત્યારે ચીફ ઓફઇસર હવે ટેન્કરના દાવા કરી રહ્યાં છે અને લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે.