એવું કેમ કહેવાય છે કે મઘા નક્ષત્રનું પાણી સાચવીને આખું વર્ષ પીજો, આ રહ્યું ખરુ કારણ
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે હવે આવનારા મધા નક્ષત્ર પર સૌની નજર હોય છે. કારણ કે, મઘા નક્ષત્રમાં વરસેલા વરસાદનું પાણી પવિત્ર ગંગાજળ સમાન ગણાય છે. તેથી આ દિવસોમાં વરસાદ પડે તો તેને ખાસ સંગ્રહી રાખજો. આ પાણીને આખું વર્ષ સાચવીને રાખો તો પણ તે બગડતુ નથી. કોઈ પણ દર્દમાં આ પાણી પીવામાં આવે તો તો દવા જેવું કામ કરશે.
પંચાંગ અનુસાર, મઘા નક્ષત્ર શરૂ થઈ ગયું છે. આ 14 દિવસનો સમયગાળામાં જેટળો પણ વરસાદ પડે તે બહુ જ સારો કહેવાય છે. વર્ષા ઋતુમાં સૂર્યનું માઘ નક્ષત્રનું ભ્રમણ બહુ જ સારું ગણાય છે. એટલા માટે જ કહેવાય છે કે, મઘા કે બરસે, માતુ કે પરસે. એટલે કે, ધરતી મા જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય. તેથી આ નક્ષત્રમાં વરસેલો વરસાદ ગંગાજળ સમાન ગણાય છે. જેનો ઉપયોગ જો તમે રોજિંદા ઉપયોગમાં લો તો શરીર માટે ફળદાયી સાબિત થશે.
એવુ કહેવાય છે કે, મઘા નક્ષત્રમાં પડેલો વરસાદ સોનાના તોલે ગણવામાં આવે છે. આ પાણી અમૃત સમાન ગણાય છે. તો કેટલાક તેને જડીબુટ્ટી સમાન સોમરસ ગણે છે. કારણ કે, આ પાણીને વાસણમાં ભરી રાખો તો પણ તેમાં કીડા પડતા નથી. આખા વર્ષમાં તમને કોઈ દર્દ હોય તો આ પાણી પીવાથી દર્દ મટી જાય છે. તેમજ મઘા નક્ષત્રનું પાણી બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં થયેલા કરમીયા પણ મરી જાય છે.
આપણા શાસ્ત્રોનું મહત્વ પારખીને અનેક લોકો મઘા નક્ષત્રના પાણીને આખા વર્ષ સાચવીને રાખે છે. કેટલાક ઘરોમાં ટાંકામાં ખાસ આ નક્ષત્રનું પાણી સાચવીને રાખવામાં આવે છે. કારણ કે, તે બગડતુ નથી. એક માન્યતા એવી પણ છે કે, ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને તે માત્ર મઘા નક્ષત્રનું જ પાણી પીવે છે. તો ક્યાંક શાસ્ત્રોમાં ચંદ્રના નક્ષત્રને આધીન એક દિવસનું મઘાનું પાણી સંગ્રહ કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતું ચંદ્ર નક્ષત્ર નહિ, પરંતું સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે છે ત્યારે જે વરસાદ વરસે છે તે પાણીનું મહત્વ છે. સૂર્ય એક નક્ષત્રમાં લગભગ 14 દિવસ ભ્રમણ કરે છે.
મઘા નક્ષત્ર દરમિયાન વરસાદ પડે તો ઘરની અગાશીમાં, ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા સ્ટીલના બેડલા કે માટલામાં આ પાણીનો સંગ્રહ કરી લેજો. આ દિવસોમાં તમારાથી થાય એટલુ પાણી સંગ્રહીને રાખજો, જેથી આખું વર્ષ કામમાં આવે.
કહેવાય છે કે, આંખોમાં કોઈ રોગ હોય તો આ પાણીના બે બે ટીપાં નાંખવા. પેટમાં દર્દ હોય તો મઘા નક્ષત્રનું પાણી પીવુ ઉત્તમ ગણાય છે. તમે આ પાણીથી રસોઈ પણ કરી શકો છો. તેમજ આ પાણીનો ઉપયોગ ગંગાજળની જેમ પૂજામાં પણ કરી શકાય છે. મઘાના પાણીથી મહાદેવ પર અભિષેક કરવાથી તેનું પુણ્ય ફળ મળે છે. તે ગંગાજળનું ફળ આપે છે. શ્રી સુક્તમની 16 રુચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રીયંત્ર પર કરવામાં આવે તો તે ધનલક્ષ્મી આકર્ષાઈને ચીર સ્થાયી થાય છે.