જાણો Obama, Trump અને Biden બધા જ કેમ છે Modi ના જબરા ફેન...? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખો સાથે મોદીની દોસ્તીની કહાની
એક સમયે જે અમેરિકાએ નરેન્દ્ર મોદીને વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો હતો એજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખોની વાત કરીએ તો, ઓબામા હોય કે ટ્રંપ, જો બાઈડેન હોય કે કમલા હેરિસ બધા જ મોદીના જબરા ફેન છે. અમેરિકા સાથે નરેન્દ્ર મોદીના સંબંધોની વાત જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે. વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના પ્રમુખો પણ ભારતના પ્રધાનમંત્રી મોદીને રાજનીતીના ગુરુ માની ચૂક્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ જો બાઈડેન અને કમલા હેરિસ આ બન્ને નેતાઓને અભિનંદન પાઠવ્યાં અને સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ સાથે જ હવે બાઈડેન અને મોદીની દોસ્તી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને સફળતાની વધુ ઉંચાઈ લઈ જશે. જો બાઇડેનએ પદભાર ગ્રહણ કરતાં જ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોને બદલવાનો આદેશ જાહેર કરી દીધો છે. બાઇડેનએ બુધવારે એકસાથે ઘણા કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા. જો બાઇડેન એક ખરડો રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ખરડા દ્વારા કાનૂની દરજ્જા વિના રહેતા લગભગ એક કરોડ 10 લાખ લોકોને 8 વર્ષ માટે નાગરિકતા (Citizenship) આપવાની જોગવાઇ છે. આંકડા અનુસાર આ નિર્ણયથી લગભગ 5 લાખ લોકો ભારતીય મૂળના લોકો (NRI)નો ફાયદો થઇ શકે છે.
બબ્બે વાર વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલાં બરાક હુસેન ઓબામાએ કહ્યું હતુંકે, સમગ્ર વિશ્વને ભારતના પ્રધાનમંત્રી મોદી પાસે ઘણી બધી આશાઓ છે. હું ભાગ્યશાળી છુંકે, પ્રધાનમંત્રી મોદી મારા સારા મિત્ર છે. મોદી પાસે ઘણું શિખવા જેવું છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના PM બનતાની સાથે જ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદી પ્રથમ વખત અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમને માર્ટિન લ્યુથરકિંગ જ્યૂનિયર સ્મારકમાં લઇ ગયા હતા. પીએમ મોદીએ અહીં મેડીસન સ્કેવરમાં અમેરિકામાં વસતા 20 હજાર જેટલાં મૂળ ભારતીયોને સંબોધન કર્યું. મેડિસન સ્વેરમાં ભારતીયોએ મોદી-મોદીનાં નારા લગાવ્યા. અને એ સાથે જ મહાસત્તા અમેરિકાને પણ મોદીની લોકપ્રિયતાનો ખ્યાલ આવી ગયો. પ્રધાનમંત્રી મોદી પ્રથમ વખત અમેરિકા ગયા ત્યારે 100 સાંસદોએ તત્કાલીન સ્પીકર જોન બોહેનરને પત્ર લખીને મોદી પાસે સંયુક્ત સત્રને સંબોધન કરવાની માંગ કરી હતી. આ વાત અમેરિકામાં છવાયેલા મોદી મેજિકને સાબિત કરે છે.
ઓબામાના કાર્યકાળમાં કમલા હેરિસ 'ફીમેલ ઓબામા'ના નામથી લોકપ્રિય હતા. રાજનીતિની દ્રષ્ટ્રીએ કમલા હેરિસ પણ પ્રધાનમંત્રી મોદીના પ્રશંસક રહ્યાં છે. તેઓ ભારત માટે મોદીની નીતિઓ અને કાર્યપ્રણાલીથી ખુબ પ્રભાવિત રહ્યાં છે અને ઘણીવાર તેના વખાણ પણ કરી ચૂક્યાં છે. ભારતીય મૂળના કમલા હેરિસે અનેક મિસાલ કાયમ કરી છે. તેઓ સાન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ એટોર્ની બનનારા પહેલા મહિલા, પહેલા ભારતીય મૂળના અને પહેલા આફ્રિકી અમેરિકી છે. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં 20 ઓક્ટોબર 1964ના રોજ જન્મેલા કમલાદેવી હેરિસના માતા શ્યામલા ગોપાલન 1960માં ભારતના તામિલનાડુથી યુસી બર્કેલે પહોંચ્યા હતા. જ્યારે તેમના પિતા ડોનાલ્ડ જે હેરિસ 1961માં બ્રિટિસ જમૈકાથી ઈકોનોમિક્સમાં સ્નાતકનો અભ્યાસ કરીને યુસી બર્કલે આવ્યા હતા. અહીં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત થઈ અને માનવ અધિકાર આંદોલનોમાં ભાગ લેવા સમયે તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. હાઈ સ્કૂલ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરનારા કમલા હેરિસ સાત વર્ષના હતા ત્યારે જ તેમના માતા પિતા એકબીજાથી અલગ થઈ ગયા. કમલા અને તેમની નાની બહેન માયા પોતાની માતા સાથે રહ્યા અને તેમના બંનેના જીવન પર માતાનો ઘણો પ્રભાવ રહ્યો. જો કે તે સમય અશ્વેત લોકો માટે સહજ નહતો. કમલા અને માયાના ઉછેર દરમિયાન માતાએ બંનેને પોતાના બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલા રાખ્યા અને તેમને પોતાના સંયુક્ત વારસા પર ગર્વ કરવાનું શીખવાડ્યું. તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડાઈથી જોડાઈ રહ્યાં.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે કબુલ્યું કે, રાજનીતિમાં મોદી સૌ કોઈના ગુરુ છે. દુનિયાભરમાં લોકો મોદીથી પ્રભાવિત છે. મોદી એક જબરદસ્ત પ્રભાવશાળી નેતા છે. ભારતની જનતા મોદીને ખુબ ચાહે છે. વિદેશમાં પણ મોદીનાં ખુબ ચાહકો છે. ટ્રંપે સત્તાવાર રીતે પોતાની ચૂંટણીમાં અબકી બાર ટ્રંપ સરકારનો નારો વહેતો કર્યો. ભારતમાં અબકી બાર મોદી સરકારના નારા પરથી પ્રભાવિત થઈને ટ્રંપે આ સ્લોગન અપનાવ્યું. હ્યૂસ્ટનમાં યોજયેલાં 'હાઉડી મોદી'માં ટ્રંપે ફરી મોદી વખાણ કર્યાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર 2019ના દિવસે અમેરિકાના હ્યૂસ્ટનમાં યોજયેલાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં 50 હજારથી વધુ ભારતીયોને સંબોધિત કર્યા. એ સમયે ડોનલ્ડ ટ્રંપને ફરી એકવાર પોતાના અમેરિકામાં જ મોદી મેજિકનો પર્ચો જોવા મળ્યો. અમેરિકાના હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ દુનિયાભરમાં ચર્ચાનું કારણ બન્યો. જેમાં એક ખાસિયત પણ ખુબ ચર્ચામાં રહી. આ કાર્યક્રમમાં ટ્રંપના ભાષણ મંચ પર પ્રેસિડેન્શિયલ સીલની જગ્યાએ ભારત-અમેરિકાની મિત્રતાનો ધ્વજ લાગેલો હતો. ટ્રંપ પ્રશાસને પહેલી વખત રાષ્ટ્રપતિના ભાષણ મંચ પર લગાવાતા પ્રતીકમાં ફેરફાર કર્યો હતો. પ્રેસિડેન્શિયલ સીલ અમેરિકન સરકારની વર્ષો જુની પંરપરાનો એક ભાગ માનવામાં આવે છે. નમસ્તે ટ્રંપમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખે ફરી દુનિયા સામે મોદીને નમસ્તે કર્યું. નમસ્તે ટ્રંપ કાર્યક્રમમાં ટ્રંપે પોતાના ભાષણમાં દુનિયા સામે ચાવાળા મોદીની વાત કરી, ભારત સહિત દુનિયાભરમાં મોદીના પ્રભાવની વાત કરી, મોદીની રાજકીય સુજબૂજ અને વૈશ્વિક સ્તરે મોદીની કૂટનીતિની વાત કરી.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે જો બાઈડેન ઘણીવાર મોદી સાથે જોવા મળ્યાં છે. જો બાઈડેન કહ્યું હતુંકે, મોદીની નિર્ણય લેવાની ક્ષમતા, તેમની કાર્યપ્રણાલી, તેમની લોકચાહનાથી હું ખુબ પ્રભાવિત છું. એક સામાન્ય કુટુંબના સભ્યથી દુનિયાની સૌથી મોટી લોકશાહીના પ્રમુખ બનવાની સફરથી તે ખુબ પ્રભાવિત છે. જો બાઈડેનનું આખું નામ જોસેફ રોબનેટ બાઈડન જુનિયર છે. તેમનો જન્મ 20 નવેમ્બર, 1942એ પેન્સિલ્વેનિયા રાજ્યના સ્કેંટનમાં થયો હતો. તેમના પિતા કેથોલિક આયરિશ મૂળના હતા. જેમનું નામ જોસેફ રોબનેટ બાઈડેન હતું, તેમની માતાનું નામ કેથરીન યુજીન ફિનનેગન હતું. જો બાઈડેનના કુલ ત્રણ ભાઈ અને બહેન છે. જેમાં જો બાઈડેન સૌથી મોટા છે. જો બાઈડેન ઓબામાની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ હતાં. 78 વર્ષના જો બાઈડેન વર્ષ 2021ની 20મી જાન્યુઆરીએ સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યો. આટલી મોટી ઉંમરે અમેરિકી રાષ્ટ્રપતિ બનનારા તેઓ પહેલાં નેતા છે.