ઝી બ્યૂરો, અમદાવાદઃ શ્રી અક્ષરમંદિર, ગોંડલ ખાતે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ૨૩૯માં પ્રાગટ્યોત્સવની ઉજવણી ધામધુમથી કરવામાં આવી હતી. રવિવારે સવારથી જ મંદિર પરિસર હરિભક્તોથી ઉભરાવા લાગ્યું હતું. સર્વે ભક્તો અક્ષર દેરી અને મંદિરમાં દર્શનનો ઉત્તમ લાભ લઈ શકે તે માટે દર્શન વ્યવસ્થાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદોત્સવની મુખ્ય સભા સાંજે પાંચથી આઠ વાગ્યા દરમ્યાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ સભામાં નામદાર મહારાજા શ્રી હિમાંશુસિંહજી તથા શ્રી ઉપેન્દ્રસિંહજી રાજવી પરિવાર ગોંડલ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય શ્રીમતિ ગીતાબા જયરાજસિંહજી જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહજી જાડેજા તેમજ ભૂવનેશ્વરી પીઠના પૂ. શ્રી રવિદર્શનજી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


આ સભામાં ઉત્સવનો મર્મ - અક્ષરબ્રહ્મની આવશ્યકતા, અક્ષરબ્રહ્મના ગુણો, અક્ષરબ્રહ્મના કાર્યો, અક્ષરબ્રહ્મનું સ્વરૂપ, અને પ્રગટ અક્ષરબ્રહ્મનો પ્રભાવ પૂ.સંતોના પ્રવચન દ્વારા સર્વે સભાજનોએ હૃદયસ્થ કર્યા હતા. સાથે યુવકો દ્વારા પ્રસ્તુત રસપ્રદ સંવાદ અને રાસની રમઝટથી સભાનો માહોલ વિશેષ પ્રભાવક બન્યો હતો. સભાના અંતમાં શિખર પર કળશ ચડે તેમ પ્રગટ ગુણાતીત સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કરી સર્વે હરિભક્તોએ કૃતાર્થતાની અનુભુતિ કરી હતી.


શરદપૂનમની સભામાં ઠાકોરજીને સંતો - ભકતો દ્વારા પાંચ આરતીના અર્ધ્ય વડે વધાવવામાં આવ્યા હતા. ઠાકોરજીની આરતી વખતે આતશબાજી દ્વારા સમગ્ર વાતાવરણને રંગબેરંગી રોશનીથી છવાઈ ગયું હતું. આ ઉત્સવનો લાભ લેવા માટે સંતો, મહંતો તેમજ હજારોની સંખ્યામાં હરિભકતો અક્ષર મંદિરે પધાર્યા હતા. ઉત્સવના અંતે સૌ ભકતો ફુડપેકેટ અને દૂધ પૌઆનો પ્રસાદ લઈ શરદોત્સવની સ્મૃતિ હ્રુદયમાં ધારતા છૂટા પડ્યા હતા.