Navsari News : નવસારીમાં 92 વર્ષીય ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભુસુરીશ્વરજી મહારાજ મોડી સાંજે કાળધર્મ પામ્યા હતા. આજે શહેરમાં તેમની પાલખીયાત્રા નીકળશે. જેમાં હજારોની સંખ્યામાં જૈન સમાજ જોડાશે. જિલ્લા સહિત સમગ્ર દેશમાં જૈન મુનિના કાળધર્મથી ધાર્મિક ક્ષેત્રે મોટી ખોટ પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીના શાંતાદેવી રોડના શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાં બિરાજમાન વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભુસુરીશ્વરજી મહારાજ 27 સપ્ટેમ્બર, ની સાંજે 6.21 વાગ્યે પુષ્ય નક્ષત્રમાં સમાધિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતાં કાળધર્મ પામ્યા હતા. 91 વર્ષીય શ્રીમદ્ વિજય હેમપ્રભુસુરીશ્વરજી મહારાજ ગત ત્રણ મહિનાથી નવસારીમાં આદિનાથ જૈન સંઘમાં ચાતુર્માસ નિમિત્તે રોકાયા હતા. તેઓને ઈન્ફેક્શનની સમસ્યા થઈ હતી. જેના બાદ તેમને નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને થોડા દિવસોથી ઓક્સિજન પર હતા. જ્યાંથી તેમને ગત ગુરૂવારે રજા આપવામાં આવી હતી અને તેઓ જૈન સંઘમાં જ હતા. ત્યારે ગત રોજ સાંજે નવકાર મંત્રનું સ્મરણ કરતા કાળધર્મ પામ્યા હતા. 


તેમના કાળધર્મના દુ:ખદ સમાચારથી સમસ્ત જૈન સમાજમાં શોક વ્યાપી ગયો છે. ગત સાંજથી જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં આદિનાથ જૈન સંઘ ખાતે ઉમટી પડ્યા હતા. ગુરૂદેવના કાળધર્મ પામવાથી અનેક શ્રદ્ધાળુઓની આંખોમાં અશ્રુ ધારા હતી. આજે સવારથી તેમના અંતિમ દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જૈન સંઘ ખાતે પહોંચી રહ્યા છે. જ્યારે બપોર બાદ તેમની પાલખીયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરશે અને ત્યારબાદ અંતિમ વિધિ કરાશે. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભસુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામતા દુઃખ વ્યક્ત કર્યું હતું.