આ મંદિરમાં માથું ટેકવાથી દૂર થાય છે આર્થિક મુશ્કેલીઓ, આ બોલીવુડ અભિનેતાઓ પણ આવી ચૂક્યા છે
એવું કહેવાય છે કે આ મંદિરમાંથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી. પોતાના ખરાબ દિવસોમાં બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન અને અજય દેવગણ જેવા સ્ટાર અભિનેતા પણ અહીં માથું ટેકવી ચૂક્યા છે.
ભગવાન અને ભક્તો વચ્ચેનો સંબંધ અદભૂત છે. વ્યક્તિ ભલે ગમે તેટલો ભણેલો ગણેલો કે સાયન્સ અને ટેક્નોલોજીનો પાવરધો હોય પરંતુ જ્યારે મુસીબતોના પહાડ તૂટી પડે છે ત્યારે સૌથી પહેલા ભગવાનને શરણે જ જતો હોય છે. આવામાં સૌથી પહેલા મંદિર અને મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો જ મનુષ્યને નજરે ચડતા હોય છે. ભારતમાં એવા અનેક મંદિરો છે જે ચમત્કારિક અને મનોકામના પૂરી કરનારા ગણવામાં આવ્યા છે. કેટલાક તો વિશ્વ સ્તરે પ્રસિદ્ધિ પામ્યા છે પરંતુ કેટલાક મંદિરો એવા પણ છે જે હજુ પણ લોકોની જાણ બહાર છે. અને આજે અમે તમને આવા જ એક મંદિર વિશે જણાવીશું.
આ મંદિર છે. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં કદબા તાલુકાના સુબ્રમણ્ય ગામમાં આવેલું કુક્કે સુબ્રમણ્ય મંદિર. એવું કહેવાય છે કે આ મંદિરમાં જે પણ આવે છે તે ક્યારેય ખાલી હાથે પાછા ફરતા નથી. આ મંદિરમાં મનોકામના પૂરી થવાની પ્રસિદ્ધિ એટલી છે કે પોતાના ખરાબ દિવસોમાં બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને અજય દેવગણ જેવા સ્ટાર અભિનેતાઓ પણ આ મંદિરમાં માથું ટેકવી ચૂક્યા છે.
અહીં ભગવાન કાર્તિકેયને તમામ નાગોના સ્વામી સુબ્રમણ્યમ રૂપમાં પૂજવામાં આવે છે. મહાકાવ્યોથી જાણવા મળે છે કે ગરુડ દ્વારા ધમકી આપવામાં આવતા દિવ્ય નાગ વસૂકી અને અન્ય નાગોને સુબ્રમણ્યમની શરણમાં શરણ મળી હતી. અહીં મુલાકાત લઈ ચૂકેલા ભક્તોના જણાવ્યાં મુજબ તમામ જગ્યાએથી જ્યારે હતાશ અને નિરાશ થઈને તેઓ કુક્કે સુબ્રમણ્ય મંદિર ગયા અને ભગવાન સુબ્રમણ્યમની કૃપાથી તેમની મનોકામના પૂરી પણ થઈ.
આ વાતમાં કેટલું સત્ય છે તે તો અમે કહી શકીએ નહીં પરંતુ એટલું ચોક્કસ છે કે આસ્થાના પાયા પર વિશ્વાસ ટકેલો હોય છે. આમ પણ ભગવાન અને ભક્તનો સંબંધ ખુબ જ અંગત અને દુનિયાની સમજથી ઉપર હોય છે. આવામાં જો આપણે પોતાના તર્ક સાથે કોઈની આસ્થા કે વિશ્વાસનો સામનો કરીએ તો તે યોગ્ય પણ ન ગણી શકાય.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)