નવી દિલ્લીઃ નવલી નવરાત્રિમાં નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે. કહેવાય છેકે, આ નવ દિવસ માતાજીની પૂજા-અર્ચના કરવાથી આખુય વર્ષ માતાજીની આપણાં પર કૃપા રહે છે. આપણે આ નવ દિવસ માતાજીની આરાધના કરીને તેમને ભાવતા ભોજન જમાવીને તેમનું ધ્યાન રાખવાનું હોય છે, બાકીનું આખુંય વર્ષ માતાજી આપણાં સૌનું ધ્યાન રાખે છે. ત્યારે નવરાત્રિના દિવસોમાં ઘરની સજાવટ પણ અગત્યની હોય છે. ઘરનું વાતાવરણ પણ એ પ્રકારે ધાર્મિક હોવું જોઈએ જેથી માતાજી આપણાં ઘરમાં આવીને વાસ કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુશાસ્ત્ર મુજબ નવરાત્રિના દિવસો દરમિયાન ઘરમાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવાની હોય છે. જો તમે નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં અને ઘરના મુખ્ય દ્વારને આ રીતે સજાવશો તો લક્ષ્મીજી પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરશે. અને તમારા ઘરમાં વાસ કરશે. જેનાથી તમારા ઘરમાં ક્યારેય ધન ખુટશે નહીં. તમારા પર ધનની વર્ષા થશે.


આ વર્ષે નવરાત્રિનો તહેવાર 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેના માટે દેશભરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, લોકોએ પોતાના ઘરને પણ સજાવવાનું શરૂ કરી દીધું છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન, માતાજીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે દરેક ઉપાય કરે છે. આ 9 દિવસોમાં જો પૂજા સિવાય ઘરની વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો માતા દુર્ગા અને દેવી લક્ષ્મીની કૃપા પરિવાર પર બની રહે છે અને માતાજી તમારા દ્વારે આવીને તમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.


નવરાત્રી દરમિયાન આખા ઘરને સારી રીતે સાફ કરો. નવરાત્રિ પહેલા જાળા, ધૂળ વગેરે સાફ કરીને માતાના આગમનની તૈયારી કરવી જોઈએ. ઘરના કોઈપણ ખૂણામાં અશુદ્ધિ ન હોવી જોઈએ. જો ઘરમાં એવી કોઈ વસ્તુ હોય, જે નકામી હોય અને ઉપયોગી ન હોય તો તેને ફેંકી દેવી જોઈએ. નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી ઘરમાં દરરોજ શંખ ફૂંકવો પણ ખૂબ જ શુભ છે. દરરોજ મંદિરમાં પૂજા કર્યા પછી શંખ વગાડો, તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે. શંખ ફૂંકવાથી ઘરનો વાયુ પણ શુદ્ધ થાય છે.


ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર સારી રીતે શણગારેલું હોવો જોઈએ. ઘરનો દરવાજો ચમકદાર અને સ્વચ્છ હોવો જોઈએ. ઘરના મુખ્ય દરવાજા પર ડેકોરેટિવ વસ્તુઓ લગાવો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આંબાના પાન ઘરના મુખ્ય દ્વાર પર રાખવા જોઈએ. તેનાથી તમારા ઘરની નકારાત્મકતા દૂર થાય છે. આ સિવાય નવરાત્રિમાં મંદિરથી આવ્યા બાદ ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવવું પણ શુભ છે.