Navratri 2023: આજથી માતાની આરાધનાનું પર્વ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ગુજરાતભરમાં 9 દિવસ સુધી એકતરફ ખેલૈયાઓનો થનગનાટ જોવા મળશે, તો બીજી તરફ આસ્થાનો માહોલ જોવા મળશે. આ વર્ષે નવરાત્રી ખુબ જ કલ્યાણકારી છે. પ્રથમ નોરતે મા શૈલપુત્રીનું અને બ્રહ્મચારિણી દેવીનું પણ પૂજન અર્ચન કરાશે. તેમની પૂજાથી જીવનમાં અપાર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે આ વખતે પહેલું અને બીજુ નોરતું આજે એક સાથે મનાવવામાં આવશે. હિન્દુ શાસ્ત્રો મુજબ વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. વસંત(ચૈત્રી), અષાઢ, શરદ અને પુષ્ય નવરાત્રિ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં સૌથી શક્તિશાળી નવરાત્રિ ચૈત્રીની માનવામાં આવે છે. તેને શક્તિ અર્જન પર્વ પણ કહેવાય છે. નવરાત્રીથી વાતાવરણમાંથી અંધકારનો અંત થાય છે, અને સાત્વિકતાની શરૂઆત થાય છે. મનમાં ઉલ્લાસ, ઉમંગ અને ઉત્સાહની વૃદ્ધિ થાય છે. દુનિયામાં તમામ શક્તિ નારી કે સ્ત્રી સ્વરૂપ પાસે છે. તેથી આ દિવસોમાં દેવીની ઉપાસના કરવામાં આવે છે. 


નવરાત્રિના પહેલા દિવસે કરો માતા શૈલપુત્રીનું પૂજન અને જાપ-
આસો સુદ 1 થી આસો સુદ 9 શરદ નવરાત્રી, માતાના ભક્તિપૂર્ણ ગીતો ઉપાસના કરવા માટે ઉત્તમ ગણાય છે. નવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ અને ઉપાસનાની પરંપરાના દેવી છે. તેમના નવ સ્વરૂપ ગણવામાં આવ્યાં છે. નવરાત્રીના નવ દિવસોમાં માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના થાય છે. જેમાં પ્રથમ દેવી છે શૈલપુત્રી... જેમનું હથિયાર ત્રિશૂળ છે, જીવનસાથી શિવ છે અને વાહન ગાય છે. મા દુર્ગા પહેલા સ્વરૂપમાં શૈલપુત્રીના નામથી પ્રખ્યાત છે. તેઓ નવ દુર્ગામાં પ્રથમ છે. પર્વતરાજ હિમાલયના ઘર પુત્રી રૂપમાં જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલ પુત્રી પડ્યું. શૈલ એટલે પર્વત થાય. આ દિવસની ઉપાસનામાં યોગી પોતાના મનને ચક્રમાં સ્થિત કરે છે અને અહીંથી તેમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે. 


માતા શૈલપુત્રીનું અલૌકિક વર્ણન-
દેવી ભાગવત મુજબ હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલા હતાં. તેઓ સતીના નામથી પણ પ્રખ્યાત છે.દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થયા બાદ સતી યોગાગ્નિમાં ભસ્મ થઈ ગયા હતાં. ત્યારબાદ તેમણે હિમાલયના ઘરે પાર્વતી સ્વરૂપે જન્મ લીધો હતો. તેમના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે (ક્યાંક વૃષભ પણ કહ્યું છે).


હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. માતા શૈલપુત્રીની આરાધનાથી મનોવાંછિત ફળ અને કન્યાઓને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય ચે. આ સાથે જ સાધકને મૂલાધરચક્ર જાગૃત થવાથી સિદ્ધિનું ફળ મળે છે. માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયના પુત્રી છે અને આથી તેમને પાર્વતી કે હેમવતી પણ કહેવાય છે. પ્રથમ દિવસે પૂજનના દિવસે શૈલપુત્રીના રૂપે ભગવતી દુર્ગા દુર્ગતિનાશિનીની પૂજા ફળ, અક્ષત, રોલી અને ચંદનથી થાય છે. 


આ મંત્રનો કરો જાપ-


'वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्.
वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥'


એકાક્ષરી બીજ મંત્રનો પણ  કરો જાપ.. ॐ शैल पुत्रैय नमः


નવરાત્રિમાં આ બાબતોનું ધ્યાન રાખવું-
નવરાત્રીમાં જીવનના સમસ્ત ભાગો અને સમસ્યાઓ પર નિયંત્રણ કરી શકાય છે.
અલગ અલગ ચક્રો પર જ્યોતિનું ધ્યાન કરવાથી વિશેષ પ્રકારની ઈચ્છાઓ પૂરી થાય છે.
નવરાત્રી દરમિયાન હળવું અને સાત્વિક ભોજન કરવું. ખાણીપણીમાં પાણીનો પ્રયોગ વધુ કરવો. 
આ દિવસોમાં તેલ, મસાલા અને અનાજ ઓછા ગ્રહણ કરવા. 
દીપક પ્રગટાવ્યા વગર ક્યારેય શક્તિની પૂજા કરી શકાતી નથી. 
પ્રથમ દિવસના ઉપવાસ દરમિયાન નવ દિવસના ઉપવાસનો સંકલ્પ લેવો અને માતાને પ્રાર્થના કરવી - હે માતા, હુ મારી શક્તિ અને ભક્તિ મુજબ ઉપવાસ કરીશ, જો કોઈ ભૂલ થઈ જાય તો તારી સંતાન સમજીને માફ કરી દેજો.