Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : પાટણમાં આવેલ નારાયણ ભગવાનના મંદિર ખાતે ઉતરાયણના દિવસે ઘીના વાઘા ભગવાનને પહેરાવવામાં આવે છે. જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે. આ મંદિર ખુબજ પ્રાચીન હોઈ ભકતો માટે આસ્થાનું કેન્દ્ર બનવા પામે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણમાં આવેલ અતિ પ્રાચીન શ્રી નારાયણ ભગવાનના મંદિર ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભગવાનને ઘીના વાઘાનો શણગાર  કરવામા આવ્યો છે. જેના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા છે. આ મંદિરનો ઇતિહાસ ઘણો જ રોચક છે. દિલ્હીમાં જ્યારે અકબરનું શાસન હતું. ત્યારે બિરબલની એક ટેક હતી કે, દર પૂનમે તે દ્વારકામાં ભગવાનના ઠાકોરજી દર્શન કરવા માટે જતા હતા. જે અકબરને ગમતું નહિ. જેથી ભગવાનને આપણે દિલ્હી લાવીએ તેમ બીરબલને કહ્યું હતું. તેથી સેનાની એક ટુકડીને મૂર્તિ લાવવા ગુજરાતમાં મોકલી હતી.


જો કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ લઈને ગાડું દિલ્હી તરફ જતું હતું, ત્યારે પાટણમાં આ ગાડું આવ્યુ હતું અને રાત્રિ વિસામો કર્યો હતો ત્યારે ભગવાને અહીં જ વાસ કર્યો હતો અને સમય જતાં ભગવાનની મૂર્તિ ભોયરામાં જતી રહી હતી. ત્યારે એક ભક્તને ભગવાન નારાયણે સ્વપ્નમાં આવી ખોદકામ કરવાનું કહ્યું હતું. અહીંથી મૂર્તિ મળી આવી હતી અને ત્યારબાદ તેની સ્થાપના થઈ હતી. ભગવાનની મૂર્તિ નિર્વસ્ત્ર હતી ત્યારે અન્ય કોઈ વસ્ત્રની વ્યવસ્થા ન હોઈ ભગવાને ભક્તને કહ્યું કે ઘરમાં ઘી પડ્યું હોય તો તેનું લિપણ રૂપી વસ્ત્ર પહેરાવો.


ત્યારે ભક્ત દ્વારા ઘીનું લિપણ કરી ભગવાનને વસ્ત્ર પહેરાવ્યા હતા, ત્યારથી પરંપરગત રીતે ઉત્તરાયણના દિવસે ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ અંદાજે 2 કિલો ચોખા ઘીનો ઉપયોગ કરી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા હતા. જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


ભગવાન નારાયણને ઉતરાણના દિવસે ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. ત્યારે વાઘા બનાવવા પાછળ 5 થી 6 કલાક જેટલો સમય લાગે છે. શુદ્ધ ઘીને પાણીમાં મિશ્રિત કરી તેને બરોબર ફીણવામાં આવે છે. અને ત્યારબાદ પાણીને બહાર કાઢવામાં આવે છે અને જે ઘી બચે છે, તેનો ઉપયોગ કરીને વાઘા તૈયાર કરવામાં આવે છે. ચાલુ વર્ષે ચાર કિલો ઘીનો ઉપયોગ કરીને ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા.


સાલવીવાડા વિસ્તારમાં આવેલ નારાયણજી ભગવાનના મંદિર ખાતે વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ઉત્તરાયણના દિવસે ઘીના વાઘાના દર્શન કરવાનું વિશેષ મહત્વ હોય મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારોમાંથી અને શહેરમાંથી દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરવા ઊમટ્યા હતા અને ઘીના વાઘાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


ભગવાન નારણજીના મંદિરને ઉત્તરાયણ નિમિત્તે પતંગની આંગીથી સુશોભિત કરવામાં આવ્યું હતું. આમ વર્ષો પૂર્વે ઉત્તરાયણના દિવસે ભગવાન નારાયણને કરાયેલ ઘીના વાઘા આજે પણ કરવામાં આવે છે. વર્તમાન ટેકનોલોજી યુગમાં પણ વર્ષોની પરંપરા આજે પણ પાટણમાં અકબંધ જોવા મળી રહી છે.