નવી દિલ્હી: દેવતાઓમાં ભગવાન શિવની પૂજા માટે શ્રાવણ મહિનો સૌથી શુભ અને કલ્યાણકારી ગણવામાં આવ્યો છે. આજે 20 જુલાઈના રોજ સોમવતી અમાસ છે અને આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી ભોલેનાથ જલદી પ્રસન્ન થશે. શ્રાવણ મહિનામાં વિધિ વિધાનથી શિવજીની પૂજા કરવાથી તેમની કૃપા જરૂર પ્રાપ્ત થઈ શકે છે. દેવતાઓમાં પણ ભગવાન શિવ સૌથી જલદી પ્રસન્ન થનારા દેવ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અષાઢ વદ અમાસનું મહત્વ અનેકઘણું છે. કારણ કે તે શ્રાવણમાસ પૂર્વે આવે છે અને અનેક શ્રદ્ધાળુઓ અમાસથી અમાસ સુધી પણ શ્રાવણ મહિનો કરતા હોય છે. સોમવતી અણાસના દિવસે શ્રદ્ધાળુઓ ખાસ જપ તપ વ્રત આરાધના દાન કરે તો અનેકઘણું પુણ્ય મળે છે. આજના દિવસને દિવાસો તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાસોથી દેવ દિવાળી સુધીના અંદાજિત 100 દિવસો થાય છે. જેમાં અનેક તહેવારો પણ આવે છે. જેમ કે રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દશેરા, દિવાળી વગેરે. આ ઉપરાંત એવરત-જીવરત વ્રત પણ કરવાની આપણામાં પરંપરા છે. દશામાનું વ્રત પણ થાય છે. 


ભગવાન શિવના આશીર્વાદથી સાધકના જીવનની તમામ બાધાઓ દૂર થાય છે અને તેમને મનોવાંછિત ફળ મળે છે. શ્રાવણ માસમાં શિવની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને રોગ અને શોક દૂર થાય છે. આવો જાણીએ કે શ્રાવણ માસમાં કેવી રીતે વિધિ વિધાનથી શિવજીની પૂજા કરવી જોઈએ. 


આજે મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર, શતરુદ્રનો પાઠ, પુરુષ સૂક્તનો પાઠ, અને પંચક્ષર આદિ શિવમંત્રોનો જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અત્રે જણાવવાનું કે શ્રવણ નક્ષત્રની પૂર્ણિમા તિથિ જોડે યોગ હોવાને કારણે આ માસને શ્રાવણ કહે છે. 


શ્રાવણમાં શ્રવણ નક્ષત્ર અને સોમવાર સાથે ભગવાન ભોલેનાથને ગાઢ સંબંધ છે. ભગવાન શંકરે પોતે સનતકુમારને કહ્યું કે મને બધા મહિનામાં શ્રાવણ મહિનો સૌથી વધુ પ્રિય છે. શ્રાવણની વિશેષતા એ છે કે તેનો દરેક દિવસ વ્રત કરવા યોગ્ય હોય છે. 


નોંધનીય છે કે કોરોનાના કારણે આ વખતે મંદિરોમાં વિશેષ આયોજનો રખાયા નથી. જો કે અમદાવાદની વાત કરીએ તો શહેરના જાણીતા મંદિરો જેમ કે નારણપુરાનું કામેશ્વર મહાદેવ મંદિર, શાહપુરનું પ્રાચીન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તોને દર્શન માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવેલા છે. 
આ બાજુ ભાટ ગામ નજીક આવેલા કોટેશ્વર મંદિરમાં ભક્તોને માસ્ક વગર પ્રવેશ અપાશે નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ લોકોને દર્શન કરવા દેવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube