Ambaji Temple : કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે. આ ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પગપાળા ચાલી શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી આશા છે. માત્ર ભારતભરના નહિ, પરંતું વિશ્વભરનો સૌથી મોટો મેળો અંબાજીનો મેળો માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ભાદરવી પૂનમનો મેળો આગામી 12 સપ્ટેમ્બરથી શરુ થઈ રહ્યો છે. ત્યારે દૂર દૂરથી સેંકડો કિલોમીટર ચાલીને આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા કરેલી વ્યવસ્થા અને સંઘોને પડતી હાલાકીને લઇ અંબાજી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાટણ અને મહેસાણાના સાંસદો સહિત જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા. અંબાજીમાં નોંધાયેલા 1576 સંઘોના અગ્રણી પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યાત્રિકોને પડતી તકલીફોની ચર્ચા કરવામાં આવી હતી.


ભાદરવી પુનમિયા સંઘ ટ્રસ્ટના કન્વીનર યોગેશે પટેલે જણાવ્યું કે, આ બેઠકમાં ખાસ કરીને યાત્રિકોને હાઇવે ઉપર સુરક્ષાના પ્રશ્નો અગ્રસ્થાને રહ્યા હતા. સાથે અંબાજીમાં રોડ ઉપર ભરાતા પાણી પણ આ બેઠકમાં ચર્ચાના સ્થાને રહ્યું હતું. મેળા દરમિયાન મોટી માત્રામાં પાણીનો ભરાવો ન થાય તેવી વ્યવસ્થા સાથે હાઇવે ઉપર ચાલતા યાત્રિકોને પૂરતી સુરક્ષા મળે અને જ્યારે મંદિર માં દર્શન કરવા જતા હોય ત્યારે GISF દ્વારા જે વર્તન કરવામાં આવે તેના બદલે માયાળુ સ્વભાવ રાખી યાત્રિકોને ‘જય અંબે’ કહી આગળ ખસેડે તેવી પણ માંગ કરાઈ હતી.


અંબાજી ખાતે ભરાનાર આ મેળામાં રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને અપાતી વિવિધ સુવિધાઓની જાણકારી આપવામાં આવી. અંબાજી આવતા પદયાત્રીઓના વાહનો માટે પાસ પરમીટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મેળા દરમિયાન સંપૂર્ણ કાનૂની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ જિલ્લા પોલીસવડાએ સહકાર આપવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ મેળા માટે ઉભી કરાયેલી સુવિધા અંગે માર્ગદર્શન કર્યું હતું. સાથે જ પદયાત્રીઓ તરફથી જે બે ત્રણ સૂચનો કરવામાં આવ્યા છે તે તેના યોગ્ય નિકાલ માટે વહીવટીતંત્રને જણાવવા જણાવ્યું હતું.


આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, અંબાજીથી 90 થી 100 કિલોમીટરના અંતરે યાત્રિકો માટે મેડિકલ કેમ્પ સાથે ડોક્ટરો અને દવાની પૂરતી વ્યવસ્થા કરાઈ છે. જે સેવા કેમ્પ ડોક્ટર તેમજ દવાનો લાભ લેવા ઇચ્છતા હશે તો રાજ્ય સરકાર તેમને પણ આરોગ્ય લગતી સામગ્રી પુરી પાડશે. 


તેમણે વધુમાં કહ્યું કે, ચાલુ વર્ષે વરસાદની શક્યતાને લઇ મેળામાં આવતા યાત્રિકોની સંખ્યા ઓછી વત્તી થઇ શકે છે. જ્યારે મંદિર દ્વારા ધજા વેચાણ શરુ કર્યું છે તેને લઈને જણાવ્યું હતું કે ટ્રસ્ટે યાત્રિકોના હિતમાં જે નિર્ણય લીધો છે તેનાથી યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ પડશે નહિ.