ગુવાહાટીઃ વિરાટ કોહલીની શાનદાર સદી (113 રન) બાદ બોલરોની શિસ્તબદ્ધ બોલિંગની મદદથી ભારતે ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં શ્રીલંકાને 67 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ હારી પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 373 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 306 રન બનાવી શકી હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન શનાકાએ અણનમ 108 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઉમરાન મલિકે ત્રણ વિકેટ લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાની ખરાબ શરૂઆત
ભારતે આપેલા પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર અવિષ્કા ફર્નાન્ડો માત્ર 5 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કુસલ મેન્ડિસ (0) ને સિરાજે બોલ્ડ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. શ્રીલંકાએ 64 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ચરિથ અશલંકા 23 રન બનાવી ઉમરાન મલિકની ઓવરમાં આઉટ થયો હતો. 


નિસાંકા અને શનાકાની શાનદાર બેટિંગ
શ્રીલંકાના અન્ય ઓપનર પથુમ નિસાંકાએ 80 બોલમાં 11 ચોગ્ગાની સાથે 72 રન બનાવ્યા હતા. આ સિવાય ધનંજય ડિ સિલ્વા 40 બોલમાં 9 ચોગ્ગા સાથે 47 રન બનાવી આઉટ થયો હતો. હસરંગા માત્ર 16 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. ચમિકા કરૂણારત્નેએ 14 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી કેપ્ટન દસુન શનાકાએ 87 બોલમાં 12 ચોગ્ગા અને બે સિક્સ સાથે શાનદાર સદી પૂરી કરી હતી. શનાકા 108 રન બનાવી અણનમ રહ્યો હતો. 


ભારત તરફથી ઉમરાન મલિકે 57 રન આપી સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય સિરાજને બે, સમી, ચહલ અને હાર્દિક પંડ્યાને એક-એક વિકેટ મળી હતી. 


આ પણ વાંચો- IND vs SL : ગુવાહાટી વનડેમાં કોહલીનો જલવો, ફટકારી 45મી વનડે સદી, બનાવ્યો રેકોર્ડ


ભારતના ઓપનરોની આક્રમક શરૂઆત
ગુવાહાટી વનડેમાં શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકાએ ટોસ જીતીને ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ ઓવરથી આક્રમક વલણ દાખવ્યું હતું. ભારતે પાવરપ્લેનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. પ્રથમ 10 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર વિના વિકેટે 75 રન હતો. 


ગિલ અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 143 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ 60 બોલમાં 11 ચોગ્ગા સાથે 70 રન બનાવી શનાકાનો શિકાર બન્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 67 બોલમાં 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 83 રન બનાવી મદુશંકાનો શિકાર બન્યો હતો. ભારતે 173 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી હતી. શ્રેયસ અય્યર 24 બોલમાં 28 રન બનાવી આઉટ થયો હતો. અય્યરે પોતાની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. 


ભારતીય ટીમે 41મી ઓવરનો પોતાના સ્કોર 300ને પાર પહોંચાડી દીધો હતો. કેએલ રાહુલે વિરાટ કોહલી સાથે મળીને ચોથી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. કેએલ રાહુલ 29 બોલમાં 4 ફોર અને એક સિક્સ સાથે 39 રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા માત્ર 12 રન બનાવી રજિથાનો શિકાર બન્યો હતો. 


વિરાટ કોહલીની વનડેમાં 45મી સદી
ભારતને બંને ઓપનરોએ સારી શરૂઆત અપાવ્યા બાદ વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 45મી સદી ફટકારી હતી. કોહલીએ ગુવાહાટી વનડેમાં માત્ર 80 બોલમાં 10 ચોગ્ગા અને એક સિક્સ સાથે પોતાની સદી પૂરી કરી હતી. આ કોહલીના આંતરરાષ્ટ્રીય કરિયરની 73મી સદી છે. કોહલીએ વનડેમાં 45, ટેસ્ટમાં 27 અને ટી20માં એક સદી ફટકારી છે. તો વનડે ક્રિકેટમાં શ્રીલંકા સામે કોહલીની 9મી સદી છે. કોહલી 87 બોલમાં 12 ફોર અને એક સિક્સ સાથે 113 રન બનાવી આઉટ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube