કોલતત્તાઃ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને ટી20 સિરીઝની ત્રીજી મેચમાં 17 રનથી હરાવી શ્રેણી 3-0થી કબજે કરી છે. ભારતે વનડે બાદ હવે ટી20 સિરીઝમાં પણ ક્લીન સ્વીપ કરી છે. ટીમ માટે સૂર્યકુમાર યાદવે તોફાની અડધી સદી ફટકારી હતી. જ્યારે વેંકટેશ અય્યરે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યુ હતું. વેસ્ટ ઈન્ડિઝ માટે ત્રીજી ટી20 મેચમાં નિકોલસ પૂરને સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. 3-0થી સિરીઝ કબજે કરવાની સાથે ભારત ટી20 રેન્કિંગમાં નંબર-1 ટીમ બની ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 167 રન બનાવી શકી હતી. ટીમ માટે નિકોલસ પૂરને સતત ત્રીજી અડધી સદી ફટકારી હતી. તેણે 47 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 61 રન બનાવ્યા હતા. જ્યારે રોવમેન પોવેલે 14 બોલનો સામનો કરતા 25 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં બે ફોર અને બે સિક્સ ફટકારી હતી. 


કેપ્ટન પોલાર્ડ માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. તો જેસન હોલ્ડર માત્ર બે રન બનાવી શક્યો હતો. આ બંને ખેલાડીને વેંકટેશ અય્યરે આઉટ કર્યા હતા. રોસ્ટન ચેઝ 12 અને ઓપનર શાઈ હોપ 6 રન બનાવી શક્યા હતા. મેયર્સ પણ માત્ર 6 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. 


આ પણ વાંચોઃ IPL 2022: આઈપીએલની નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સે પોતાનો લોગો કર્યો રિલીઝ, જુઓ  


ટીમ ઈન્ડિયા માટે શાનદાર બોલિંગ કરતા દીપક ચાહરે બે વિકેટ ઝડપી હતી. તેણે 1.5 ઓવરમાં 15 રન આપ્યા, ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થતાં મેદાન છોડીને બહાર જતો રહ્યો હતો. વેંકટેશ અય્યરે 2.1 ઓવરોમાં 23 રન આપી બે વિકેટ લીધી હતી. આ મેચમાં પર્દાપણ કરનાર આવેશ ખાનને એકપણ સફળતા મળી નહીં. જ્યારે હર્ષલ પટેલે 3 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 22 રન આપ્યા હતા. 


ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 184 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે તોફાની ઈનિંગ રમી હતી. તેણે 31 બોલનો સામનો કરતા 65 રન બનાવ્યા હતા. જ્યારે વેંકટેશ અય્યર 19 બોલમાં 35 રન બનાવી અણનમ રહ્યો હતો. વેંકટેશે પોતાની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ઈશાન કિશને 34 અને શ્રેયસ અય્યરે 25 રનનું યોગદાન આપ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube