એશિઝમાં સતત 9મી વખત 50+નો સ્કોર કરી સ્મિથે લારા અને વિરાટની કરી બરોબરી
1 વર્ષના પ્રતિબંધ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનાર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથનું બેટ એશિઝ સિરીઝમાં રનનો વરસાદ કરી રહ્યું છે.
માન્ચેસ્ટરઃ 1 વર્ષના પ્રતિબંધ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનાર ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ એશિઝ સિરીઝમાં રમતનો આનંદ માણી રહ્યો છે. આ સિરીઝમાં તે બેટથી ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. માન્ચેસ્ટરમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બેવડી સદી ફટકાર્યા બાદ બીજી ઈનિંગમાં સ્મિથ પોતાની સદીથી ચુકી ગયો અને તે 82 રન પર જેક લીચનો શિકાર બન્યો હતો. સ્મિથનો એશિઝમાં આ સતત 9મો 50+નો સ્કોર છે.
આ અડધી સદીની સાથે સ્મિથે એશિઝ 2019મા 600થી વધુ રનનો આંકડો પાર કરી લીધો છે. આ ત્રીવાર છે જ્યારે તેણે 3 કે તેથી વધુ મેચોની ટેસ્ટ સિરીઝમાં 600થી વધુ રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 3 કે તેથી વધુ વખત આ સિદ્ધિ મેળનાવર તે વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન છે. સ્મિથ પહેલા ડોન બ્રેડમેન (6 વખત), વિરાટ કોહલી (3 વખત), બ્રાયન લારા (3 વખત), ઇયાન હાર્વે (3 વખત), ગારફીલ્ડ સોબર્સ (3 વખત) ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે સ્ટીવ સ્મિથ એશિઝ 2019મા સૌથી વધુ રન બનાવવાના મામલામાં ટોપ પર છે. આ સિરીઝમાં સ્મિથે અત્યાર સુધી 5 ઈનિંગમાં 134.20ની શાનદાર એવરેજથી 671 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી 1 બેવડી સદી, 2 સદી અને 2 અડધી સદી નિકળી છે.
આઈસીસી મહિલા ટી-20 વિશ્વકપનો અંતિમ કાર્યક્રમ જાહેર
મહત્વનું છે કે, હાલની એશિઝ સિરીઝમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા 1-1થઈ બરાબર ચાલી રહ્યાં છે. ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ યજમાન ઈંગ્લેન્ડને 383 રનનો વિશાળ લક્ષ્ય આપ્યો છે. તેના જવાબમાં ઈંગ્લેન્ડે ચોથા દિવસના રમત પૂરી થવા સુધી 18 રન બનાવ્યા અને બે વિકેટ ગુમાવી છે. તેને જીત માટે હજુ 365 રનની જરૂર છે.