કોલકત્તાઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર  મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે ચાલી રહેલા પારિવારિક ઝગડો ખૂબ આગળ વધી ગયો છે. હસીન જહાંએ ગલાવેલા ફિક્સિંગના આરોપો બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એન્ટી કરપ્શન યૂનિટના અદિકારીઓએ પહેલા મોહમ્મદ શમી સાથે પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેની પત્ની હસીન જહાં સાથે 4 અધિકારીઓએ પૂછપરછ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હસીન જહાંએ આરોપ લગાવ્યો હતો કે શમીએ ઈંગ્લેન્ડના વ્યાપારી મોહમ્મદ ભાઈના કહેવા પર અલિસબા નામની એક પાકિસ્તાની મહિલા પાસેથી રૂપિયા લીધા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર, બીસીસીઆઈના અધિકારીઓએ કોલકત્તાના લાલ બજારમાં શમીની પત્ની સાથે પૂછપરછ કરી. 


પોલીસ સૂત્રો અનુસાર, બીસીસીઆઈના અધિકારીઓએ ત્રણ કલાકથી વધુ સમય સુધી હસીન જહાંની પૂછપરછ કરી. હસીન જહાંના વકીલ જાકિર હુસૈને પણ આ વાતની ખાતરી કરી છે. તેમણે જણાવ્યું કે, અધિકારીઓએ હસીન સાથે પૂછપરછ કરી છે. 


ઉલ્લેખનીય છે કે જ્યારે મોહમ્મદ શમી પર તેની પત્નીએ ફિક્સિંગનો આરોપ લગાવ્યો તો બધા ચોંકી ગયા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ બીસીસીઆઈને શમીની વિરુદ્ધ લગાવેલા આરોપોની તપાસ કરવા કહ્યું હતું. વિનોદ રાયની આગેવાનીમાં સીઓએએ બીસીસીઆઈની એન્ટી કરપ્શન યૂનિટના પ્રમુખ નીરજ કુમારને એક રિપોર્ટ રજૂ કરવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો. 


આ આરોપોને કારણે બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી શમીને બહાર રાખવામાં આવ્યો છે. બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યું કે, ક્લીન ચીટ મળ્યા બાદ તેને ફરીથી કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે. હસીને તેના પતિ પર ઘણા આરોપ લગાવ્યા છે. તેની ફરિયાદ બાદ કોલકત્તા પોલીસે શમી વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરી હતી.