અંબાતી રાયડુનો `પદાર્પણ` પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ, વન ડે-ટી20 રમતો રહેશે
33 વર્ષના અંબાતી રાયડુએ 45 વન ડે રમી છે અને આગામી વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમનો તે મહત્વનો સભ્ય માનવામાં આવે છે
નવી દિલ્હીઃ અંબાતી રાયડુએ વન ડે ટીમમાં પોતાનું સ્થાન પાકું કરવાની સાથે જ ક્રિકેટના લાંબા ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું કે, તે પોતાનું ધાન વન ડે અને ટી20 ક્રિકેટમાં લગાવવા માગે છે. આથી તેણે પ્રથમ શ્રેણીના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી સંન્યાસનો સીધો અર્થ એવો થાય છે કે તેણે ટેસ્ટ ટીમમાં પ્રવેશ મેળવવાની આશા હવે છોડી દીધી છે.
33 વર્ષના અંબાતી રાયડુએ પોતાની 5 વર્ષની ઈન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીમાં 45 વન ડે અને 6 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેને હજુ સુધી એક પણ ટેસ્ટ મેચ રમવાની તક મળી નથી. આથી કહી શકાય કે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ પહેલાં જ ક્રિકેટના આ ફોર્મેટને અલવિદા કહી દીધી છે. તે હવે રણજી ટ્રોફીમાં પણ નહીં રમે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સાથેની વન-ડે શ્રેણી દરમિયાન અનેક વખત જણાવ્યું છે કે, અંબાતી રાયડુ ટીમ ઈન્ડિયામાં નંબર-4 પર ફીટ છે. તેની બેટિંગ સ્ટાઈલ અને એપ્રોચ આ નંબર માટે યોગ્ય છે.
તેને આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપમાં આ નંબરે તક આપવામાં આવશે. એવું કહેવાય છે કે, રાડયુએ આ વિશ્વાસને કારણે જ પ્રથમ શ્રેણીના ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે અંબાતી રાયડુએ શનિવારે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે કે, તે પોતાનું ધ્યાન વન ડે અને ટી20 ક્રિકેટમાં લગાવવા માગે છે. તેણે એસોસિએશનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 'હું આંતરરાષ્ટ્રીય અને ઘરેલી સ્તરે નાના ફોર્મેટની મેચમાં રમવાનું ચાલી રાખીશ. હું બીસીસીઆઈ, એચસીએ, વડોદરા ક્રિકેટ એસિસિએશન અને વિદર્ભ ક્રિકેટ એસોસિએશનનો આભાર માનવા માગું છું.
હાદરાબાદ માટે રમવું મારા માટે હંમેશાં સન્માનની વાત રહી છે. જે પ્રકારનું સમર્થન મને અહીં મળ્યું, તેને હું ક્યારેય ભુલી શકું એમ નથી. તેમાં મારી સાથે રમનારા ખેલાડી, કોચ અને અધિકારીનો સમાવેશ થાય છે.'