લંડનઃ એશિઝ 2019 (Ashes 2019)ની ઓવલમાં રમાયેલી સિરીઝની છેલ્લી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને (ENG vs AUS) 135 રને પરાજય આપ્યો છે. આ સાથે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો રહી છે. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 398 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 263 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યૂ વેડે શાનદાર સદી ફટકારતા 117 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સ્પીનર જેક લીચ અને બ્રોડે સૌથી વધુ 4-4 સફળતા મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 251 રને પરાજય આપ્યો હતો. જ્યારે બીજી મેચ ડ્રો રહી હતી. ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને એક રનથી પરાજય આપીને શ્રેણી સરભર કરી હતી. ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને પરાજય આપીને એશિઝ સિરીઝ જાળવી રાખી હતી. પરંતુ અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવીને એશિઝ સિરીઝ બરોબર કરવામાં સફળતા મેળવી છે. 


આ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં જોસ બટલરના 70, રોરી બર્ન્સના 47, રૂટના 57 રનની મદદથી 294 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઈનિંગમાં મિશેલ માર્શે પાંચ વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગમાં 225 રને ઓલઆઉટ થઈ જતા ઈંગ્લેન્ડને 69 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઈનિંગમાં સ્ટીવ સ્મિથે સૌથી વધુ 80 રન ફટકાર્યા હતા. આ સિવાય માર્નસ લાબુશેને 48 રનનું યોગદાન આપ્યું હતું. 

એશિઝમાં પેટ કમિન્સે બનાવ્યો અનોખો રેકોર્ડ 


69 રનની લીડ સાથે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 329 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 398 રનનો લક્ષ્ય આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં જો ડેનલી સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો. તેણે 206 બોલનો સામનો કરતા 14 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 94 રન ફટકાર્યા હતા. આ સિવાય બેન સ્ટોક્સે 67 અને જોસ બટલરે 47 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઈનિંગમાં નાથન લાયને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય પેટ કમિન્સ, પીટર સીડલ અને મિશેલ માર્શને બે-બે સફળતા મળી હતી. 


398 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 29 રનના સ્કોર પર પોતાના બંન્ને ઓપનર માર્કસ હેરિસ (9) અને ડેવિડ વોર્નર (11)ની વિકેટ ગુમાવી દીધી હતી. આ બંન્નેને સ્ટુઅર્ટ બ્રોડે પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. ત્યારબાદ માર્નસ લાબુશેન (14) જેક લીચનો શિકાર બન્યો હતો. આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાત સ્ટીવ સ્મિથ (23)ને બ્રોડે રૂટના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. એશિઝ-19મા સ્મિથનો આ સૌથી ઓછો સ્કોર છે. ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર મેથ્યૂ વેડે લડત આપી હતી. વેડે 166 બોલનો સામનો કરતા 17 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 117 રન બનાવ્યા હતા. માર્શ 24, ટિમ પેન 21, પેટ કમિન્સ 9, સીડલ 13*, લાયન 1 અને હેઝલવુડ શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. 

સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ બનાવેલો પોતાનો રેકોર્ડ તોડ્યો, એશિઝ 2019ની 7 ઈનિંગમાં બનાવ્યા 774 રન


ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં બ્રોડે 62 રન આપીને ચાર તથા લીચે 49 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. કેપ્ટન જો રૂટને પણ બે સફળતા મળી હતી.