Asia Cup 2018 : પાકિસ્તાનઃ162 ઓલઆઉટ, ભારત164/2 (29 ઓવર), 8 વિકેટે ભારતનો વિજય
એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છે. બંને ટીમો પહેલેથી જ સુપર 4માં પહોંચી છે. જોકે આ મેચના હારવા જીતવાથી ફાઇનલમાં જવા અંગે કોઇ ફરક નહીં પડે.
દુબઇ : એશિયા કપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે જંગ જામ્યો છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટીંગ લીધી હતી. શરૂઆતથી જ ભારતીય બોલરો પાકિસ્તાની બેટ્સમેનો પર પ્રભાવી રહ્યા છે. પાકિસ્તાનની ટીમ હોંગકોંગ કરતાં પણ નબળી સાબિત થઈ હતી. સમગ્ર ટીમ 43.1 ઓવરમાં 162 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 8 વિકેટે આ મેચ જીતી લીધી હતી.
ભારતનો પાકિસ્તાન પર બોલના હિસાબે આ સૌથી મોટો વિજય હતો. ભારત જીત્યું ત્યારે હજુ 126 બોલ ફેંકવાના બાકી હતી. આ અગાઉ, 2006માં ભારતે પાકિસ્તાન પર 105 બોલ ફેંકવાના બાકી હતા અને વિજય મેળવ્યો હતો.
જવાબમાં ભારતે ધીમી પરંતુ સારી શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવને ભારત માટે મજબૂત પાયો નાખ્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 86 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. કેપ્ટન રોહિત શર્મા 13મી ઓવરમાં શાદાબ ખાનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 39 બોલમાં 52 રન બનાવ્યા હતા. ત્યાર બાદ શિખર ધવન પણ 54 બોલમાં 46 રન બનાવીને ભારતના 104ના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.
અંબાતી રાયડુ(31) અને દિનેશ કાર્તિક(31) ત્રીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરીને ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો. ભારતે વિજય માટે જરૂરી 163 રનનું લક્ષ્ય માત્ર 29 ઓવરમાં જ મેળવી લીધું હતું. પાકિસ્તાન તરફથી ફહીમ અશરફ અને શાદાબ ખાને 1-1 વિકેટ લીધી હતી.
હવે, ભારતની 21 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે, 23 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ફરીથી અને 25 સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાન સામે મેચ છે.
ભારત તરફથી કેદાર જાદવ અને ભુવનેશ્વર કુમારે 3-3 વિકેટ લીધી હતી. મેચ દરમિયાન હાર્દિક પંડ્યા ઘાયલ થઈ જતાં તેને સ્ટ્રેચરમાં મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. (મેચનો લાઇવ સ્કોર જોવા અહીં ક્લિક કરો)
ભુવનેશ્વર કુમારનો પાકિસ્તાનને ઝટકો
ભારતીય ફાસ્ટ બોલર ભુનેશ્વર કુમારે પાકિસ્તાનને ત્રીજી અને પાંચમી ઓવરમાં પહેલા બોલે બે ઝટકા આપ્યા છે. ત્રીજી ઓવરના પહેલા બોલે ભુવનેશ્વર કુમારે ઇમામ ઉલ હકને વ્યક્તિગત 2 રનના સ્કોર પર વિકેટકિપર એમ એસ ધોનીના હાથમાં કેચ કરાવ્યો હતો. જ્યારે પાંચમી ઓવરમાં પહેલા બોલે ફખર જમાનને શૂન્ય રને ચહલના હાથમાં કેચ કરાવ્યો હતો.
પ્રથમ બે વિકેટ ઝડપથી પડી ગયા બાદ પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને શોએબ મલિકે બાજી સંભાળી લીધી હતી. આ બંનેની રમત જોતાં લાગતું હતું કે પાકિસ્તાન સારો સ્કોર બનાવી લેશે. પરંતુ પાકિસ્તાનના 85ના સ્કોર પર કુલદીપ યાદવ ફરી ત્રાટક્યો અને તેણે બાબર આઝમ (47)ને આઉટ કરીને પાકિસ્તાનને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેના પછી રમવા આવેલા શરફરાઝ અહેમદ પણ 6 રન બનાવીને 96ના સ્કોરે આઉટ થઈ ગયો.
પાકિસ્તાનનો આધાર કહેવાતા શોએબ મલિકને અંબાતી રાયડુએ રન આઉટ કરીને ભારત માટે મહત્ત્વપૂર્ણ વિકેટ પાડી હતી. શોએબે 67 બોલમાં 43 રન બનાવ્યા હતા. શોએબના આઉટ થયા બાદ પાક. ખેલાડીઓ ભારતીય બોલરો સામે વધુ ટકી શક્યા નથી. આસિફ અલી (9) અને શાદાબ ખાન (12) રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ફહીમ અશર અને મોહમ્મદ આમીરે બાજી સંભાળવા પ્રયાસ કર્યો પરંતુ તેઓ વધુ ટકી શક્યા ન હતા. ફહીમ 21ના અંગત સ્કોરે આઉટ થઈ ગયો હતો. તેના પછી આવેલા હસન અલીએ 1 અને ઉસમાન ખાન શૂન્ય રને આઉટ થયો હતો. મોમ્હમદ આમીર 26 બોલમાં 18 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ભારત તરફથી કેદાર જાદવ સફળ બોલર રહ્યો છે અને તેણે 7 ઓવરમાં માત્ર 17 રન આપીને 3 વિકેટ લીધી છે. ભુવનેશ્વર કુમારે 2 અને કુલદીપ યાદવે 1 વિકેટ લીધી છે.
હાર્દિક પંડ્યા થયો ગંભીર ઘાયલ
હાર્દિક પંડ્યા તેની 5મી ઓવર નાખી રહ્યો હતો. પાકિસ્તાનનો સ્કોર એ સમયે 17.5 ઓવરમાં 73 રન હતો. પાંચમી ઓવરના પાંચમો બોલ નાખ્યા બાદ હાર્દિક પંડ્યા અચાનક મેદાન પર પડી ગયો હતો. પહેલા તેની મેદાન પર સારવાર કરાઈ અને ત્યાર બાદ તેને સ્ટ્રેચરમાં મેદાનથી બહાર લઈ જવાયો હતો. બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, હાર્દિક પંડ્યાને કમરમાં ઈજા થઈ છે. મેડિકલ ટીમ અત્યારે તેની તપાસ કરી રહી છે. હાર્દિક પંડ્યાને કારણે લગભગ 7 મિનિટ સુધી મેચ રોકવી પડી હતી. હાર્દિકની ઓવર અંબાતી રાયડુએ પુરી કરી હતી.
એશિયા કપમાં આજે સાંજે પ વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ શરૂ થયો છે. બંને ટીમો પોતાની પ્રથમ મેચમાં હોંગકોંગને હરાવી ચૂકી છે. આ સંજોગોમાં આ મેચથી ફાઇનલમાં સ્થાન મેળવવા કંઇ ખાસ અસર નહીં પડે. પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
વાંચો : ભારત પાકિસ્તાન વચ્ચેની અત્યંત રોમાંચક પાંચ મેચ...
ભારતની જીતમાં હેટ્રીક
પહેલો એશિયા કપ એપ્રિલ 1984માં શારજહાંમાં રમાયો હતો. ભારતે શ્રીલંકાને 10 વિકેટથી હરાવી ટુર્નામેન્ટ જીતી હતી. ભારત એશિયા કપમાં જીતની હેટ્રીક બનાવી ચૂક્યું છે. 1988, 1991 અને 1995માં સતત ત્રણ વખત ભારતે જીત મેળવી હતી. અત્યાર સુધી કુલ 13 એશિયા કપ રમાયા છે. યૂએએઇ 14મા એશિયા કપની મેજબાની કરી રહ્યું છે. જેમાં ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરી રહ્યો છે.
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અંબાતિ રાયડૂ, દિનેશ કાર્તિક, એમ એસ ધોની, કેદાર જાદવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, યુજેન્દ્ર ચહલ
પાકિસ્તાન : ફખર જમાન, ઇમામ ઉલ હક, બાબર આજમ, શોએબ મલિક, સરફરાજ અહેમદ (કેપ્ટન), આસિફ અલી, શાદાબ ખાન, ફહીમ અશરફ, મોહમ્મદ આમિર, હસન અલી, ઉસ્માન ખાન
હાર્દિક પંડ્યા અને બુમરાહ પરત
ભારતે ટીમમાં બે બદલાવ કર્યા છે. ખલીલ અહેમદ અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને સમાવી લેવાયા છે.
આ સ્ટેડિયમની વિશેષતા જાણી રહી જશો દંગ...
ભારત પાકિસ્તાન વચ્ચે 130મો જંગ
ભારત અને પાકિસ્તાન બંને એશિયા કપમાં હોંગકોંગને હરાવી ચૂક્યા છે. બંને સુપર 4માં આવી પહોંચ્યા છે. આ સંજોગોમાં આજની મેચ સાથે ભારત પાકિસ્તાન એકબીજા સાથે 130માં વન ડે મેચ રમી રહ્યા છે. અત્યાર સુધીની 129 મેચમાં પાકિસ્તાનનું પલ્લું ભારે રહ્યું છે. જેમાં પાકિસ્તાન 73 મેચ જીત્યું છે જ્યારે ભારત માત્ર 52 મેચો જ જીતી શક્યું છે.