Asia Cup 2022: ભારતને લાગ્યો મોટો ઝટકો, એશિયા કપમાંથી બહાર થયો જસપ્રીત બુમરાહ
Asia Cup 2022: એશિયા કપ પહેલા કેપ્ટન રોહિત શર્મા માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે એશિયાકપમાંથી બહાર થઈ ગયો છે.
નવી દિલ્હીઃ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલ એશિયા કપ પહેલા ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખુબ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો નંબર-1 ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે જસપ્રીત બુમરાહ કમરની ઈજાનો સામનો કરી રહી રહ્યો છે. આ પહેલા જસપ્રીત બુમરાહને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી વનડે અને ટી20 સિરીઝમાં પણ આરામ આપવામાં આવ્યો હતો.
એશિયા કપ માટે હજુ ટીમની પસંદગી થઈ છે. શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સોમવારે મોડી રાત્રે એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. પરંતુ તે સ્પષ્ટ થઈ ગયું છે કે જસપ્રીત બુમરાહ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે નહીં.
જસપ્રીત બુમરાહની ઈજા પર બીસીસીઆઈ તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જસપ્રીત બુમરાહની મેદાન પર વાપસી ક્યારે થશે તે વિશે હજુ કંઈ કહી શકાય નહીં. પરંતુ જસપ્રીત બુમરાહનું આ સમયે ઈજાગ્રસ્ત થવું ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક છે.
આ પણ વાંચોઃ CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે કુલ 61 મેડલ
બુમરાહની ફિટનેસ ટીમ માટે જરૂરી
જસપ્રીત બુમરાહ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો નંબર વન બોલર છે. જૂન-જુલાઈમાં જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી લિમિટેડ ઓવર સિરીઝ દરમિયાન બુમરાહને કમરમાં દુખાવાની સમસ્યા થઈ હતી. ત્યારબાદ જસપ્રીત બુમરાહને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી વનડે અને ટી20 સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો.
પરંતુ માનવામાં આવી રહ્યું હતું કે બુમરાહની ઈજા એશિયા કપ પહેલા ઠીક થઈ જશે. એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહની પસંદગી નક્કી માનવામાં આવી રહી હતી. હવે બની શકે કે આગામી મહિને ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સામે ઘર આંગણે રમાનારી સિરીઝમાં બુમરાહની વાપસી થઈ શકે છે. કારણ કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વિશ્વ કપ રમાવાનો છે, તે પહેલા બુમરાહનું ફિટ થવું જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube