નવી દિલ્હીઃ આઈસીસી વનડે વિશ્વકપ પહેલા પાકિસ્તાનની યજમાનીમાં 30 ઓગસ્ટ એટલે કે બુધવારથી એશિયા કપનો પ્રારંભ થઈ રહ્યો છે. એશિયા કપમાં આ વખતે કુલ છ ટીમો રમવાની છે. 30 ઓગસ્ટે ટૂર્નામેન્ટની શરૂઆત થશે તો 17 સપ્ટેમ્બરે ફાઈનલ રમાશે. 19 દિવસ ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાશે. ભારતીય ટીમ એશિયા કપની સૌથી સફળ ટીમ છે. ભારતે અત્યાર સુધી સાત વખત આ ટૂર્નામેન્ટ જીતી છે. જ્યારે શ્રીલંકાની ટીમ 6 વખત ચેમ્પિયન બની છે. તો પાકિસ્તાને બે વખત એશિયા કપનું ટાઈટલ જીતવામાં સફળતા મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલ છ ટીમો લેશે ભાગ
એશિયા કપ 2023, 50 ઓવર ફોર્મેટમાં રમાશે, જેમાં કુલ છ ટીમ ભાગ લેવાની છે. આ ટીમોમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ સામેલ છે. ટૂર્નામેન્ટનું યજમાન પાકિસ્તાન છે, પરંતુ પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમાશે, જ્યારે બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાવાની છે. ટૂર્નામેન્ટમાં ગ્રુપ-એ અને ગ્રુપ બી બનાવવામાં આવ્યા છે. ગ્રુપ-એમાં ભારત, નેપાળ અને પાકિસ્તાન છે. જ્યારે ગ્રુપ-બીમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ છે. ગ્રુપ રાઉન્ડ બાદ સુપર-4 રાઉન્ડની શરૂઆત થશે. 


આ પણ વાંચોઃ ક્રિકેટના આ રેકોર્ડને કારણે પાકિસ્તાન હોય છે હંમેશા ફોર્મમાં, તમને ખબર છે આ રેકોર્ડ?


ભારતનો હાથ ઉપર
એશિયા કપના ઈતિહાસ પર નજર કરીએ તો આ એશિયન મેગા ટૂર્નામેન્ટની શરૂઆત વર્ષ 1984માં સંયુક્ત અરબ અમીરાતના શારજાહ શહેરથી કરવામાં આવી હતી. અત્યાર સુધી 15 વખત એશિયા કપનું આયોજન થયું છે. જેમાં ભારતીય ટીમ એશિયાની સૌથી સફળ ટીમ છે. ભારતે સૌથી વધુ સાત વખત ((1984, 1988, 1990–91, 1995, 2010, 2016, 2018) આ ટૂર્નામેન્ટનું ટાઈટલ જીતી એશિયામાં પોતાની બાદશાહત સ્થાપિત કરી છે. બીજીતરફ શ્રીલંકાએ અત્યાર સુધી છ વખત (1986, 1997, 2004, 2008, 2014, 2022) આ ટૂર્નામેન્ટનો ખિતાજ જીત્યો છે. જ્યારે પાકિસ્તાનની ટીમ બે વખત (2000, 2012) ચેમ્પિયન બની છે. 


એશિયા કપ 2023માં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમીને કરશે. આ મેચ શ્રીલંકામાં રમાશે. એશિયા કપના ઈતિહાસની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 16 વખત ટક્કર થઈ છે, જેમાં ભારતે 9 વખત જીત મેળવી છે, તો પાકિસ્તાન 6 વખત વિજયી બન્યું છે. જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નથી. 


સૌથી વધુ રન
એશિયા કપમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ શ્રીલંકાના સનથ જયસૂર્યાના નામે છે. જયસૂર્યાએ આ ટૂર્નામેન્ટની 25 મેચમાં 1220 રન બનાવ્યા છે. ત્યારબાદ કુમાર સાંગાકારા આવે છે. સાંગાકારાએ 24 મેચમાં 1075 રન ફટકાર્યા છે. ત્રીજા સ્થાને 23 મેચમાં 971 રન ફટકારી સચિન તેંડુલકર છે. ચોથા સ્થાને પાકિસ્તાનનો શોએબ મલિક છે. મલિકે 17 મેચમાં 786 રન ફટકાર્યા છે. તો રોહિત શર્માએ એશિયા કપની 22 મેચમાં 745 રન બનાવ્યા છે. 


આ પણ વાંચોઃ Rohit Sharma: વર્લ્ડ કપ 2023 પછી નિવૃત્ત થશે કેપ્ટન રોહિત? ઈશારામાં આપ્યા મોટા સંકેત


સૌથી વધુ વિકેટ
એશિયાની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ શ્રીલંકન ખેલાડીના નામે છે. મુથૈયા મુરલીધરને 24 મેચમાં 30 વિકેટ ઝડપી છે. ત્યારબાદ લસિથ મલિંગાનું નામ આવે છે. મલિંગાએ 14 મેચમાં 29 વિકેટ લીધી છે. ત્રીજા સ્થાને શ્રીલંકાનો અજન્તા મેન્ડિસ છે. મેન્ડિસે માત્ર 8 મેચમાં 26 વિકેટ લીધી હતી. તો પાકિસ્તાનના સઈદ અઝમલે 12 મેચમાં 25 વિકેટ લીધી છે. પાંચમાં સ્થાને શ્રીલંકાનો ફાસ્ટ બોલર ચામિંડા વાસ છે, જેના નામે 19 મેચમાં 23 વિકેટ છે. 


એશિયા કપ 2023 કાર્યક્રમ
પ્રથમ રાઉન્ડ

30 ઓગસ્ટ – પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ – મુલતાન
31 ઓગસ્ટ – બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા – કેન્ડી
2 સપ્ટેમ્બર – ભારત વિરુદ્ધ પાકિસ્તાન – કેન્ડી
3 સપ્ટેમ્બર – બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન – લાહોર
4 સપ્ટેમ્બર – ભારત વિરુદ્ધ નેપાળ – કેન્ડી
5 સપ્ટેમ્બર – શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન – લાહોર


સુપર 4 રાઉન્ડ
6 સપ્ટેમ્બર – A1 વિરુદ્ધ B2 – લાહોર
સપ્ટેમ્બર 9 – B1 વિરુદ્ધ B2 – કોલંબો
સપ્ટેમ્બર 10 – A1 વિરુદ્ધ A2 – કોલંબો
સપ્ટેમ્બર 12 – A2 વિરુદ્ધ B1 – કોલંબો
સપ્ટેમ્બર 14 – A1 વિરુદ્ધ B1 – કોલંબો
સપ્ટેમ્બર 15 – A2 વિરુદ્ધ B2 – કોલંબો


17 સપ્ટેમ્બર ફાઈનલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube