એશિયાડમાં પ્રથમવાર સામેલ થયેલી આ ગેમ્સમાં ભારતનો જલવો, જીત્યા 5 મેડલ
મિક્સ્ડ 4*400 મીટર રિલે, કુરાશ અને બ્રિજ જેવી રમતોને પ્રથમવાર 18મી એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવી હતી. આ રમતોમાં ભારતીય ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કરતા પાંચ મેડલ જીત્યા છે. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સામેલ છે.
જકાર્તાઃ ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સ ભારત માટે ઘણી રીતે ખાસ સાબિત થઈ છે. એશિયાડમાં પ્રથમવાર કેટલિક રમતોને સામેલ કરવામાં આવી અને ભારતીય ખેલાડીઓએ આ સ્પર્ધામાં મેડલ જીત્યા છે. જેનો ફાયદો ભારતની મેડલ ટેલીમાં દેખાયો છે. મિક્સ્ડ 4*400 મીટર રિલે, કુરાશ અને બ્રિજ જેવી રમતોમાં ભારતીય ખેલાડીઓ મેડલ જીતવામાં સફળ રહ્યાં છે.
ભારતને આ ગેમ્સમાં અત્યાર સુધી પાંચ મેડલ મળ્યા છે, જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સામેલ છે. મિક્સ્ડ 4*400 મીટર રિલે રેસમાં સિલ્વર મેડલ મળ્યો છે. કુરાશમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ જ્યારે બ્રિજમાં બે બ્રોન્ઝ મેડલ પર ભારતે કબજો કર્યો છે.
મિક્સ્ડ 4*400 મીટર રિલેમાં સિલ્વર મેડલ
મિક્સ્ડ 4*400 મીટર રિલેને પ્રથમવાર એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવી હતી. જેની એક ટીમમાં બે પુરૂષ અને બે મહિલા ખેલાડી હોય છે. આ રેસમાં ભારતના મોહમ્મદ અનસ, પૂવમ્મા રાજૂ, હિમા દાસ અને રાજીવ અરોકિયાની ટીમે ત્રણ મિનિટ 15.71 સેકન્ડનો સમય લેતા સિલ્વર મેડલ મેળવ્યો હતો.
કુરાશમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યો
કુરાશ ગેમ્સને પણ પ્રથમવાર એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવી હતી. કુરાશ થોડા અંશે કુશ્તી જેમ હોય છે, નિયમમાં ફેરફાર હોય છે. કુરાશ ઉજ્બેકિસ્તાનનું પારંપરિક માર્શલ આર્ટ છે. આ નવી ગેમ્સમાં ભારતને બે મેડલ મળ્યા. મહિલાઓના 52 કિલો વર્ગમાં ભારતની પિંતી બલ્હારાને સિલ્વર અને મલપ્રભા જાધવને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
બ્રિજ રમતમાં ભારતને મળ્યા બ્રોન્ઝ મેડલ
બ્રિજ (પત્તાની રમત)ને પણ પ્રથમવાર એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવી હતી. મિક્સ ટીમ અને પુરૂષ ટીમ વર્ગમાં ભારતને બે બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. ભારતની મિક્સ ટીમમાં કિરણ નાદર, સત્યનારાયણ બચીરાજૂ, હેમા દેવડા, ગોપીનાથ મન્ના, હિમાર ખંડેલવાલ અને રાજીવ ખંડેલવાલ સામેલ હતા. પુરૂષ ટીમમાં જગ્ગી શિવદાસાની, રાજેશ્વર તિવારી, સુમિત મુખર્જી, દેવવ્રત મજૂમદાર, રાજૂ તોલાની અને અજય ખડે સામેલ હતા.