જકાર્તાઃ વર્તમાન વિજેતા ભારતની પુરુષ હોકી ટીમે સોમવારે 18મા એશિયન રમતોત્સવમાં પોતાના અભિયાનની જોરદાર શરૂઆત કરતાં યજમાન ઈન્ડોનેશિયાને 17-0થી હરાવ્યું હતું. એશિયન રમતોત્સવમાં ભારતનો કોઈ પણ ટીમ સામે આ અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે. આ અગાઉ ભારતીય હોકી ટીમ એશિયન ગેમ્સમાં વિરોધી ટીમોને ત્રણ વખત 12-0થી હરાવી ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રૂપ-એની આ મેચમાં ભારતે પ્રથમ ક્વાર્ટરમાં જ 5-0ની લીડ મેળવી લીધી હતી. મેચનો પહેલો ગોલ પ્રથમ મિનિટમાં થયો હતો. રૂપિંદર પાલ સિંહે પેનલ્ટી સ્ટ્રોકથી ભારતનું ખાતું ખોલ્યું હતું. ત્યાર બાદ ભારતે બીજી (રૂપિંદર), 7મી (દિલપ્રીત સિંહ), 10મી (આકાશદીપ સિંહ) અને 13મી (સિમરનજીત સિંહ) મિનિટમાં ગોલ કર્યા હતા. 


બીજા ક્વાર્ટરમાં પણ ભારતે પ્રથમ ક્વાર્ટર જેવી જ સફળતા મેળવી હતી. આ ક્વાર્ટરમાં તેણે ચાર ગોલ ઠોકી દીધા હતા. ભારત માટે મેચનો છઠ્ઠો ગોલ એસ.વી. સુનીલે 25મી અને સાતમો ગોલ વિવેક પ્રસાદે 26મી મિનિટમાં કર્યો હતો. 8મો ગોલ 28મી અને 9મો ગોલ 29મી મિનિટમાં દિલપ્રીત સિંહે કર્યો હતો. 



ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારત માટે હરમનપ્રીતે ગોલ કરીને સ્કોર 10-0 કરી નાખ્યો હતો. ત્યાર બાદ ભારતે ચોથા ક્વાર્ટરમાં પોતાનો 14મો ગોલ કર્યો હતો. આ ગોલ મનદિપ સિંહે 46મી મિનિટમાં કર્યો હતો. તેની ત્રણ મિનિટ બાદ મનદીપે વધુ એક ગોલ કરીને સ્કોર 15-0 કરી દીધો હતો. 


તેના ત્રણ મિનિટ બાદ જ લલિતના પાસ પર સિમરનજીતે એક ગોલ કરીને ભારતનો સ્કોર 16-0 કર્યો હતો. તેની એક મિનિટ બાદ જ ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો અને અમિત રોહતદાસે ગોલ ફટકરીને સ્કોર 17-0 કરી નાખ્યો. ભારતની આગામી મેચ હોંગકોંગ સાથે બુધવારે છે. 



ઉલ્લેખનીય છે કે, ભારતની પુરુષ હોકી ટીમ એશિયન ગેમ્સમાં અત્યાર સુધી 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે.