ATP finals: ડોમિનિક થીમને હરાવી સિત્સિપાસ બન્યો ચેમ્પિયન, મળ્યું 19 કરોડનું ઇનામ
ATP World Tour Finals: ગ્રીસના સ્ટેફનોસ સિત્સિપાસે રવિવારે લંડનમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમને હરાવ્યો હતો.
લંડનઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સ્ટેફનોસ સિત્સિપાસે (Stefanos Tsitsipas) રવિવારે પોતાના કરિયરનું સૌથી મોટુ ટાઇટલ જીત્યું હતું. તેણે એટીપી વર્લ્ડ ટૂર ફાઇનલ્સ (ATP Finals 2019)નું ટાઇટલ જીતીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. તેણે માત્ર 21 વર્ષ અને ત્રણ મહિનાની ઉંમરમાં આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ સાથે તે 18 વર્ષમાં એટીપી વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં (ATP World Tour Finals) ચેમ્પિયન બનનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ બની ગયો છે. તેની પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના લેટન હેવિટના નામે હતો. હેવિટે વર્ષ 2001મા 20 વર્ષની ઉંમરે આ ટાઇટલ જીત્યું હતું.
ગ્રીસના સ્ટેફનોસ સિત્સિપાસે રવિવારે લંડનમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમને (Dominic Thiem) હરાવ્યો હતો. તેણે આ ટાઇટલ 6-7(6), 6-2, 7-6(4)થી જીતીને પોતાના નામે કર્યું હતું. સિત્સિપાસ એટીપી ફાઇનલ્સ (ATP Finals)નું ટાઇટલ જીતનાર પ્રથમ ગ્રીક ખેલાડી પણ બની ગયો છે. સ્ટેફેનોસ સિત્સિપાસ ફાઇનલ મુકાબલા દરમિયાન દુખાવાથી પરેશાન જોવા મળ્યો હતો. તેના સ્નાયૂ ખેંચાઇ ગયા હતા. પરંતુ તેણે રમવાનું જાળવી રાખ્યું અને ચેમ્પિયન પણ બન્યો હતો. આ જીતથી તેને આશરે 19 કરોડ રૂપિયા અને 1300 એટીપી પોઈન્ટ મળ્યા છે.
સેમિફાઇનલમાં ફેડરરને હરાવ્યો
સિત્સિપાસ આ ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે સેમિફાઇનલમાં રોજર ફેડરરને હરાવ્યો હતો. સિત્સિપાસે પહેલા ગ્રુપ રાઉન્ડની મેચમાં રૂસના ડેનિલ મેદવેદેવ અને બીજી મેજમાં જ્વેરેવને હરાવ્યો હતો. જ્વેરેવ આ ટૂર્નામેન્ટમાં ટાઇટલ ડિફેન્ડ કરવા ઉતર્યો હતો. પરંતુ આ વર્ષે તે સેમિફાઇનલમાં ડોમિનિક થીમ સામે હારી ગયો હતો. સ્ટેફનોસ સિત્સિપાસ આ ટૂર્નામેન્ટમાં માત્ર એક મેચ હાર્યો હતો. તેને ગ્રુપ રાઉન્ડની અંતિમ મેચમાં નડાલે હરાવ્યો હતો.
સ્કોક્સના નિવેદન પર ભડક્યો ટિમ પેન, કહ્યું- પુસ્તક વેંચવા માટે વોર્નર પર લગાવ્યો આરોપ
જોન મૈકેનરોના નામે છે રેકોર્ડ
ઓવરઓલ વાત કરીએ તો સિત્સિપાસ સૌથી નાની ઉંમરમાં આ ટાઇટલ જીતવાના મામલામાં છઠ્ઠા નંબર પર છે. સૌથી નાની ઉંમરે આ ટાઇટલ જીતવાનો રેકોર્ડ અમેરિકાના જોન મૈકેનરો (John McEnroe)ના નામે છે. તેણે 19 વર્ષ 11 મહિનાની ઉંમરે આ ટાઇટલ જીત્યું હતું. લેટન હેવિટ (20 વર્ષ), પેટ સામ્પ્રાસ (20 વર્ષ 3 મહિના), આંદ્રે અગાસી (20 વર્ષ, 3 મહિના), અને બોરિસ બેકર (21 વર્ષ 3 મહિના)એ પણ આ ટાઇટલ સિત્સિપાસ કરતા ઓછી ઉંમરે જીત્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube