19 વર્ષના ઓસ્ટ્રેલિયન ખેલાડી સાથે ટકરાવના પગલે ICCની વિરાટ કોહલી પર ગણતરીના કલાકોમાં કાર્યવાહી
મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચના પહેલા જ દિવસે મોટી બબાલ જોવા મળી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેત મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. મેચના પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગમાં 6 વિકેટના ભોગે 311 રન કરી લીધા. સ્ટીવ સ્મિથ 68 રન અને પેટ કમિન્સ 8 રન કરીને ક્રિઝ પર હતા. મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પહેલા જ દિવસે મેદાનમાં બબાલ
મેચના પહેલા જ દિવસે બબાલ જોવા મળી. જેમાં 19 વર્ષના ડેબ્યુટેન્ટ સેમ કોન્સ્ટાસ અને ભારતીય ધૂરંધર ખેલાડી વિરાટ કોહલી વચ્ચે ગરમા ગરમી જોવા મળી. ઓસ્ટ્રેલિયા માટે 19 વર્ષનો વિસ્ફોટક ઓપનર સેમ કોન્સ્ટસે ટેસ્ટ ક્રિકેટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોરદાર શરૂઆત કરી. સેમે નાથન મેકસ્વીનીની જગ્યા લીધી. આ મેચ દરમિયાન સેમ કોન્સ્ટસે ભારતીય ફાસ્ટ બોલરોને ખુબ પરેશાન કર્યા. આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 11મી ઓવરની છે. વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટસ વચ્ચે આ દરમિયાન ભિડંત થઈ અને કોહલીએ જાણી જોઈને સેમ કોન્સ્ટસ સાથે ખભો અથડાવ્યો. સેમ પણ પછી પાછળ ન હટ્યો અને તેણે વિરાટને કઈક કહ્યું. ત્યારબાદ વિરાટ કોહલી અટક્યો અને વળ્યો. જોત જોતામાં તો બંને વચ્ચે જોરદાર તણખા ઝરવા લાગ્યા.
શું હતો મામલો
સેમ કોન્સ્ટસ સાથે બેટિંગ કરી રહેલા ઉસ્માન ખ્વાજાએ હસતા હસતા વિરાટ કોહલીના ગળામાં હાથ નાખીને સ્થિતિને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા રિકી પોન્ટિંગે કહ્યું કે જુઓ વિરાટ ક્યાં ચાલી રહ્યા છે. વિરાટે આ ટકરાવને ભડકાવ્યો છે. મારા મનમાં એ વાતને લઈને કોઈ શંકા નથી. અત્રે જણાવવાનું કે આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 11મી ઓવરની છે. જસપ્રીત બુમરાહ તે વખતે બોલિંગ કરતો હતો. ઓવરના ચોથા બોલ પર સેમ કોન્સ્ટસે ઝડપથી 2 રન લીધા ત્યારે વિરાટ કોહલી ચાલતા ચાલતા સેમ કોન્સ્ટસ સાથે અથડાયો. ટક્કર એટલી જબરદસ્ત હતી કે સેમ કોન્સ્ટસ પણ વિરાટ કોહલીને ઘૂરવા લાગ્યો અને દલીલ કરવા લાગ્યો.
કોહલી પર એક્શન
હવે આ સમગ્ર મામલે આઈસીસીએ લગભગ પાંચ કલાકમાં જ કાર્યવાહી કરી છે. આઈસીસીએ મેચ ફીના 20% દંડ ફટકાર્યો. આ સાથેજ એક ડિમેરિટ અંક પણ કોહલીને મળ્યો છે. એટલે કે આ નિર્ણયના પગલે કોહલી સસ્પેન્શનથી બચી ગયા છે.