કોલકત્તાઃ  આઈસીસી વિશ્વકપ-2023ની બીજી સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાને 3 વિકેટે પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ રમાશે. કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 49.4 ઓવરમાં 212 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં 215 રન બનાવી મેચ જીતી લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાને ઓપનરોએ અપાવી આક્રમક શરૂઆત
કોલકત્તાની મુશ્કેલ પિચ પર લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત મળી હતી. ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. ડેવિડ વોર્નર 18 બોલમાં 4 સિક્સ અને 1 ફોર સાથે 29 રન બનાવી એડન માર્કરમનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રબાડાએ મિચેલ માર્શ (0) ને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પાવરપ્લેમાં 74 રન બનાવ્યા હતા. 


ટ્રેવિસ હેડની અડધી સદી
ટ્રેવિસ હેડે સેમીફાઈનલમાં આક્રમક અડધી સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડ 48 બોલમાં 9 ફોર અને 2 સિક્સ સાથે 62 રન બનાવી આઉટ થયો હતો. માર્નસ લાબુશેન ઓસ્ટ્રેલિયાનો સ્કોર 133 રન હતો ત્યારે 18 રન બનાવી આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલ માત્ર 1 રન બનાવી શમ્સીનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 137 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.


સ્ટીવ સ્મિથ 62 બોલમાં 2 ચોગ્ગા સાથે 30 રન બનાવી કોએટ્ઝીનો શિકાર બન્યો હતો. જોશ ઈંગ્લિશ 49 બોલમાં 18 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં પેટ કમિન્સ  14 અને મિચેલ સ્ટાર્કના અણનમ 16 રનની મદદથી ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. આ બંને વચ્ચે 22 રનની ભાગીદારી થઈ હતી.


આફ્રિકાની ટીમ 212 રનમાં ઓલઆઉટ
વિશ્વકપ 2023ની બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં 212 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી ડેવિડ મિલરે શાનદાર સદી ફટકારી હતી. એક સમયે આફ્રિકાએ 24 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. 


24 રનમાં 4 વિકેટ ગુમાવનારી સાઉથ આફ્રિકાની ટીમને ડેવિડ મિલર અને હેનરિલ ક્લાસેને પાંચમી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી મજબૂતી અપાવી હતી. આ ભાગીદારીની મદદથી આફ્રિકાની ટીમ 200થી વધુ રન બનાવવામાં સફળ રહી હતી. આ સિવાય મિલરે ગેરાલ્ડ કોએટ્ઝીની સાથે મળી સાતમી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. ડેવિડ મિલરે 116 બોલમાં 8 ફોર અને 5 સિક્સની મદદથી 101 રન ફટકાર્યા હતા. 


પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં કેપ્ટન ટેમ્બા બવુમા આઉટ થયો હતો. જ્યારે છઠ્ઠી ઓવરમાં ડિ કોક 14 બોલમાં 3 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. એડન માર્કરમ પણ 10 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રાવી વાન ડર ડુસેન 12મી ઓવરમાં 6 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો હતો. 


ત્યારબાદ ડેવિડ મિલર અને હેનરિક ક્લાસેને મળી આફ્રિકાની ઈનિંગને સ્થિરતા અપાવી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 113 બોલમાં 95 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને 31મી ઓવરમાં ટ્રેવિસ હેડે હેનરિક ક્લાસેનને આઉટ કરી તોડી હતી. ત્યારબાદ હેડે માર્કો યાન્સેનને પણ શૂન્ય પર આઉટ કર્યો હતો. પછી સાતમી વિકેટ માટે મિલર અને કોએટ્ઝીએ 53 રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube