INDW vs AUSW: ત્રીજી ટી20માં ઓસ્ટ્રેલિયાએ ભારતને 21 રને હરાવ્યું, સિરીઝમાં 2-1થી આગળ
INDW vs AUSW: ઓસ્ટ્રેલિયાએ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં શાનદાર વાપસી કરતા ભારતને 21 રને પરાજય આપ્યો છે. હવે સિરીઝની ચોથી ટી20 મેચ 17 ડિસેમ્બર, શનિવારે રમાશે.
મુંબઈઃ INDW vs AUSW: મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલા ત્રીજા ટી20 મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ભારતને 21 રનથી હરાવી દીધુ છે. આ જીતની સાથે મહેમાન ટીમે પાંચ મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 172 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવી શકી હતી. ભારત માટે શેફાલી વર્માએ અડધી સદી ફટકારી હતી. આ સિવાય તમામ બેટર મોટી ઈનિંગ રમવામાં ફ્લોપ રહ્યાં હતા.
પેરી અને ગ્રેસની મદદથી ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો મજબૂત સ્કોર
પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે 5 રનની અંદર બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ એલિસ પેરીએ આક્રમક બેટિંગ કરતા માત્ર 33 બોલમાં પોચાની અડધી સદી પૂરી કરી હતી. 2019 બાદ તેની ટી20 આંતરરાષ્ટ્રીયમાં પહેલી અડધી સદી છે. એલિસ પેરી 47 બોલમાં 75 રન બનાવી આઉટ થઈ હતી. તેણે નવ ફોર અને ત્રણ સિક્સ ફટકારી હતી. પેરીએ પાંચમી વિકેટ માટે ગ્રેસ હેરિસની સાથે 31 બોલમાં 55 રનની શાનદાર ભાગીદારી કરી હતી. હેરિસે પણ આક્રમક બેટિંગ કરતા 18 બોલમાં 41 રન ફટકાર્યા હતા.
આ પણ વાંચોઃ IND vs BAN: ચેતેશ્વર પુજારા અને અય્યરે કરાવી ભારતની વાપસી, પ્રથમ દિવસે ભારત 278/6
શેફાલી સિવાય અન્ય બેટરોએ કર્યાં નિરાશ
સ્કોરનો પીછો કરતા ભારતે પણ 33 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરતા 42 બોલમાં 52 રન ફટકાર્યા હતા. શેફાલીએ પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ અડધી સદી બાદ તે આઉટ થઈ ગઈ હતી. શેફાલીએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે ત્રીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. હરમનપ્રીત કૌર 37 રન બનાવી આઉટ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube