ઓસ્ટ્રેલિયન પત્રકારે ગૌતમ ગંભીરને `આતંકી` ગણાવતા ચાહકો કાળઝાળ, લીધો બરાબર ક્લાસ
આઈપીએલ 2018માં સતત હારથી પરેશાન થઈને દિલ્હીની કમાન છોડનાર ક્રિકેટર ગૌતમ ગંભીરે પાકિસ્તાન દ્વારા સરહદ પારથી સતત યુદ્ધવિરામના ભંગ અને પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધો પર લાગેલા પ્રતિબંધને લઈને મોટું નિવેદન આપ્યું છે.
નવી દિલ્હી: આઈપીએલ 2018માં સતત હારથી પરેશાન થઈને દિલ્હીની કમાન છોડનાર ક્રિકેટર ગૌતમ ગંભીરે પાકિસ્તાન દ્વારા સરહદ પારથી સતત યુદ્ધવિરામના ભંગ અને પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધો પર લાગેલા પ્રતિબંધને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગંભીરે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનને જો પાઠ ભણાવવો હોય તો ફક્ત ક્રિકેટ પર પ્રતિબંધ લગાવવાથી વાત નહીં બને. તેણે કહ્યું કે તેનો ઈલાજ વૈકલ્પિક પ્રતિબંધ ન હોઈ શકે. ભારત અને પાકિસ્તાનના સંબંધો જો ખરેખર સુધારવા હોય તો આ પગલું પૂરતું નહીં હોય. ગૌતમ ગંભીરના આ નિવેદન બાદ એક ઓસ્ટ્રેલિયન પત્રકારે ગૌતમ ગંભીરને 'વર્બલ આતંકી' ગણાવ્યો. પત્રકારના આ નિવેદનથી સોશિયલ મીડિયામાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
ઓસ્ટ્રેલિયન પત્રકાર ડેનિસ ફ્રીડમેને પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી એક ટ્વિટ કરીને ગૌતમ ગંભીરને લઈને મોટું નિવેદન આપ્યું છે. ડેનિસ ફ્રિડમેનની આ ટ્વિટ બાદ ફેન્સે તેનો બરાબર ક્લાસ લગાવી દીધો. અત્રે જણાવવાનું કે ડેનિસ ફ્રીડમેન છાશવારે ભારતીય ક્રિકેટરોને લઈને ટ્વિટ કરતા રહે છે. ડેનિસ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને લઈને પણ વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે.
હવે ડેનિસે ગૌતમ ગંભીર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું. ડેનિસ ફ્રીડમેને પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરતા લખ્યું કે ગૌતમ ગંભીર એક વર્બલ આતંકી છે. તેમણે ફરીથી નિવેદન આપ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધ ખતરનાક થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયન ખેલ પત્રકારની આ ટ્વિટ બાદ ક્રિકેટ ફેન્સે તેમને જબરદસ્ત ફટકાર લગાવી. અત્રે જણાવવાનું કે મુંબઈ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો છે.
ઈન્ટરવ્યુમાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે જો ખરેખર બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા હોય તો આ પ્રતિબંધ તમામ સેક્ટરોમાં મૂકાવો જોઈએ. જેમાં મ્યુઝિક અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ સામેલ હોય. જ્યાં સુધી બે દેશો વચ્ચે ખરેખર સંબંધો ન સુધરે ત્યાં સુધી પાકિસ્તાનને હવે આપણે એક પણ તક આપવી જોઈએ નહીં.
સરહદ પર સતત યુદ્ધવિરામના ભંગને લઈને ભારત સરકારને તેણે કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ આકરુ વલણ અપનાવે. ગૌતમે કહ્યું કે આપણે અનેક વખત પાકિસ્તાન સાથે વાત કરી છે પરંતુ તેનું કોઈ સકારાત્મક પરિણામ નિકળ્યું નથી. દરેક દેશની આવા હાલાતને પહોંચી વળવા માટેની એક રીત હોય છે. તેના ધૈર્યની એક સીમા હોય છે. સૌથી પહેલા આપણે વાતચીતનો રસ્તો અપનાવવો જોઈએ. જો તેનાથી વાત ન બને તો આપણે કડક પગલાં લેવા જોઈએ. આ મામલે કોઈ રાજનીતિ ન થવી જોઈએ.