IPL Auction 2024: મિચેલ સ્ટાર્ક બન્યો આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, કોલકત્તાએ 24.75 કરોડ આપી ખરીદ્યો
IPL 2024: આઈપીએલ-2024 ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ આઈપીએલ ઓક્શનના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે.
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024 માટે દુબઈમાં ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. આઈપીએલ-2024ના ઓક્શનમાં તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં કોલકત્તા નાઇટ રાઇડર્સે ખરીદ્યો છે. મિચેલ સ્ટાર્ક આઈપીએલ ઓક્શનના ઈતિહાસમાં સૌથી મોંઘા ભાવે વેચાનાર ખેલાડી બની ગયો છે. આજે ઓક્શનમાં પેટ કમિન્સને સનરાઇઝર્સે 20.50 કરોડ રૂપિયા આપીને લીધો હતો. પરંતુ મિચેલ સ્ટાર્કે માત્ર 30 મિનિટમાં પેટ કમિન્સનો રેકોર્ડ તોડી દીધો છે.
દિલ્હી કેપિટલ્સે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક પર પ્રથમ બોલી લગાવી હતી. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. મુંબઈ અને દિલ્હી વચ્ચે રૂ. 9.60 કરોડ સુધીની બિડિંગ જોવા મળી હતી. આ પછી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સે બોલી લગાવવાનું શરૂ કર્યું. આખરે કોલકાતાએ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદ્યો.
સ્ટાર્કને ખરીદવા માટે ગુજરાત અને કોલકાતા વચ્ચે લાંબી સ્પર્ધા ચાલી હતી. ગુજરાતે 24.50 કરોડની છેલ્લી બોલી લગાવી હતી. પરંતુ કોલકાતાએ આના કરતા વધુ બોલી લગાવીને સ્ટાર્કને ખરીદ્યો હતો.
સ્ટાર્કનું આઈપીએલ કરિયર
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક છેલ્લે વર્ષ 2015માં આઈપીએલ રમતો જોવા મળ્યો હતો. મિચેલ સ્ટાર્કે આઈપીએલમાં કુલ 27 મેચ રમી છે અને 34 વિકેટ ઝડપી છે. સ્ટાર્કે એક મેચમાં 15 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમી ચુક્યો છે.